________________
જડ અને ચૈતન્ય ૭
ઓહો ! મોટો ફેર છે, ક્યાં છે? ક્યાં હું? એ એક જ ઠેકાણે પડ્યો રહે છે, હું ચાલું છું, બેસું છું, ઊઠું છું, બોલું છું, વાતો કરું છું, ખાઉં છું, પીઉં છું. એમ અનેક કામો હું “મારી મેળે” કર્યા કરું છું. એમાંનું એક પણ કામ આ કબાટ કે આ પથ્થર કરી શકે તેમ નથી. મેં કદી તેમ કરતા તેઓને જોયા નથી.
મને કોઈ લાત મારે, તો મને તે વાગે, ને મારા મનમાં ગુસ્સો આવી જાય છે. પરંતુ આ કબાટને ગમે તેટલું મારવામાં આવે, તો પણ કંઈ નહીં. “પથ્થર ઉપર જાણે પાણી.” લો જુઓ, આ મેં પગની ઠોકર લગાવી. પણ બોલે જ કોણ ? તો પછી સામે મારવાની તો વાત જ શી ? મને લાગે છે કે, “એને લાગતું જ નહિ હોય.” અથવા “એના મનમાં કાંઈ આવતું જ નહિ હોય.” એનામાં કોઈ પણ પ્રકારની મારા જેવી “લાગણી” જ જણાતી નથી. ખરું કહું તો તેનામાં “લાગણી-ફૂર્તિ” જ નથી ને મારામાં છે. આ અમારા બન્નેયમાં મોટો “ફેર” છે.
વાહ ! ધન્ય છે, તમારી વિવેક વિહેચણ કરનારી બુદ્ધિને ? ઠીક પૃથક્કરણ કર્યું. પણ આ ઉપરથી તારણ શું નીકળે છે? તે હવે હું સમજાવું છું:
(૧) તમે તેની સાથે અમુક બાબતમાં મળતા આવો છો અને
(૨) અમુક બાબતમાં જુદા પણ પડો છો. જે જે બાબતમાં મળતા આવો છો, તે બાબત તમારી અને એની એક જ સરખી છે. જે બાબતમાં જુદા પડો છો, તે બાબત તમારામાં છે, પણ કબાટમાં નથી, અને કબાટમાં છે, તે તમારામાં નથી. માટે જ તમારા બેમાં ફરક જણાય છે.
હા, જી ! એમ જ.
એટલે એની બનાવટ “એક જ જાતની વસ્તુથી થઈ જણાય છે. અને તમારી બનાવટ બે જાતની વસ્તુથી થઈ છે.” એમ આપણા મનમાં સહેજે સમજાઈ જાય છે.
બરાબર ન સમજાયું. હશે, હમણાં જ સમજાશે. “અમુક માણસ મરી ગયો” એવા શબ્દો તમે સાંભળ્યા છે ?