________________
પાઠ રજો જડ અને ચૈતન્ય
ગયા પાઠમાં દુનિયાની આ બધી વિચિત્ર ઘટનાઓનું કારણ સમજવામાં મદદ કરવાનું મેં માથે લીધું છે, તો હું તમને સમજ પડશે, તેવી રીતે સહેલાઈથી અને સચોટ મુદ્દાથી સમજાવું છું.
આવો, જુઓ તો, આ શું છે ? આ કબાટ છે. આ બીજું શું પડ્યું છે ? મોટો પથ્થર ભીંતને અઢેલીને પડ્યો છે.
એમાં અને તમારામાં શું શું મળતું આવે છે ? તે તમે સમજી શકતા હો, તો કહો.
મારામાં ને એનામાં “ઘણું સરખાપણું” છે; હું ઊંચો છું, કબાટ પણ ઊંચું છે. હું ઊભો છું, એ પણ ઊભો છે. મારામાં પોલાણ છે, તેમ એમાં પણ છે. સહેજ-સાજ ધક્કો વાગતાં અમારા બેમાંથી કોઈ પડી જાય તેમ નથી. રંગમાં પણ અમે મળવા ધારીએ, તો મળી શકીએ તેમ છીએ. મને તો એમ જ લાગે છે કે, અમે બન્ને એક જ જાતના છીએ, અને તદ્દન મળતા જ છીએ. આપણે તેને આડો પાડી સુવાડીએ, તો, તે પણ મારી માફક આડો સૂઈ શકે.
ઠીક, તમારા બન્નેયમાં કાંઈ “ફેર-તફાવત” જુઓ છો ? જરા વિચાર કરવાનો હું તમને વખત આપું છું. જો તમારા બન્નેયમાં કાંઈ ફેર હોય ને તમે સમજી શકતા હો, તો બરાબર વિચાર કરીને કહો.