________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૮૯
વધારે અસર કરે છે. માટે તેના બે ભેદ જુદા જુદા પરસ્પર વિરોધી જેવા ગણાવ્યો છે.
આ રીતે જીવનક્રિયામાં મદદગાર શક્તિ તે જીવનશક્તિ અર્થાત્ પર્યાપ્તિ. એ જીવનશક્તિ આત્માની શક્તિ છે અને તે અપરિમિત હોય છે. પણ તેને મર્યાદિત કરી અમુક પ્રમાણમાં ઠીક ઠીક શેષ ખુલ્લી રાખે, તે કર્મ પર્યાપ્તનામકર્મ કહેવાય છે અને વધારે પ્રમાણમાં ઢાંકે અને બહુ જ ઓછા પ્રમાણમાં ખુલ્લી રાખે, તે અપર્યાપ્તનામકર્મ કહેવાય છે.
હવે આપણા જીવનમાં જીવનક્રિયાઓ કેટલી ચાલે છે, તે તપાસીએ.
૧. આપણે ખાવું પડે છે. જો ખાઈએ નહીં તો, મરી જઈએ. તમે સવારે જમ્યા છો. પરંતુ અત્યારે તમારી હોજરી ખાલી થઈ છે. જો કાંઈ ખાવાનું મળે તો ખાવાની ઇચ્છા થઈ છે, જેને ભૂખ કહે છે. આમ દરેક પ્રાણી આહરણ ક્રિયા—ખાવાની ક્રિયા કરે છે.
૨. ખાધા પછી તે ખોરાક હોજરીમાં પડ્યો રહેતો નથી. પણ તે આંતરડામાં ધકેલાય છે. અને તેમાંથી છેવટે લોહી બને છે. અને તે લોહી હૃદયમાં થઈને આખા શરીરમાં ધકેલાય છે. જુઓ—તમારા જમણા હાથના અંગૂઠા તરફ કાંડા ઉપર આંગળીઓ મૂકો તો ત્યાં નાડી ધબકે છે, હૃદયમાં લોહી આવે છે, અને ધકેલાય છે. તેના ધબાકા પ્રમાણે જ નાડીમાં ધબાકા થાય છે. એવી સૂક્ષ્મ ક્રિયાઓ શરીરમાં અનેક જાતની ચાલ્યા કરે છે અને શરીરની રચના થાય છે. તે પણ એક જાતની જીવનક્રિયા છે. જો શરીર જીવનક્રિયા કરતું બંધ પડે, તો નાડી પણ બંધ જ પડે. આ બીજી જીવનક્રિયા ચાલે છે.
૩. ત્રીજી જીવનક્રિયા ઇંદ્રિયોમાં અને તેના સૂક્ષ્મ અવયવોમાં ચાલ્યા કરે છે. જો ઇંદ્રિયોમાં જીવનક્રિયા ન ચાલતી હોય, તો ઇંદ્રિયો જડ થઈ જાય, અને કંઈ જાણી શકે નહીં. જે વખતે મેં આ ટોકરીનો અવાજ કર્યો તે વખતે તમારા કાન ચમક્યા, અને સાંભળવાનું કામ ઝપાટાબંધ કરવા લાગ્યા. આ ઇંદ્રિયો અને જ્ઞાનતંતુઓ વગેરેમાં ચાલતી જીવનક્રિયા છે.