________________
૨૪૨ કર્મ-વિચાર ભાગ-૩
ભેદો દિગ્દર્શનરૂપે પાડવામાં આવ્યા છે. વિસ્તારથી ભેદો પાડવા હોય તો દરેક પ્રાણી દીઠ અને તેના દરેક સંજોગ અને જુદા જુદા વખતની પરિસ્થિતિ પ્રમાણે અસંખ્ય ભેદો પડી શકે.
બીજું એ પણ કારણ છે કે, એકલા મોહનીય કર્મનું સ્વતંત્ર શાસ્ત્ર રચવું હોય તો તેના વિવેચન માટે જેટલા ભેદો પડે તેટલા પાડી શકાય. પરંતુ આખા કર્મશાસ્ત્રનું નિરૂપણ કરવાનું હોય, ત્યારે તેમાં ઉપયોગી હોય તેટલા જ ભેદો પાડી કામ આગળ ચલાવવું જોઈએ. સ્વતંત્ર શાસ્ત્રમાં સંપૂર્ણ વિવેચન આવશ્યક હોય છે, અને વ્યાપક શાસ્ત્રમાં ઉપયોગ પૂરતું જ વિવેચન આવશ્યક હોય છે. આ પણ શાસ્ત્રરચવાની પદ્ધતિમાંનો એક નિયમ છે.
કેટલીક વખત એક જ વસ્તુના અનેક રીતે વિભાગીકરણ જોઈએ છીએ. તેનું કારણ પણ ઉપર કહેલું તે જ છે. જુદા જુદા શાસ્ત્રની દષ્ટિથી અમુક એક ચોક્કસ વસ્તુના વિભાગો જુદી જુદી રીતે ઉપયોગી હોય, તે રીતે તેના વિભાગો પાડી લઈ શાસ્ત્રપ્રણેતાઓ શાસ્ત્રો રચી લે છે.
શાસ્રરચનાઓનું એક બીજું તત્ત્વ પણ અહીં પ્રસંગે સમજાવવું ઠીક પડશે.
એક માણસ આપણને માર મારે છે અથવા આપણું અનિષ્ટ કરે છે. તે વખતે આપણને ક્રોધ ઉત્પન્ન થાય છે, ને મોં લાલચોળ થઈ જાય છે. આપણે સામે થવાને તૈયાર થઈ જઈએ છીએ. તથા પૂર્વનું વૈર સંભાળીને જેટલા જોરથી તેની સામે થઈ શકાય તેટલા જોરથી આપણે તેની સામે થઈએ છીએ. આ પ્રસંગે સૌથી પહેલી અસર આપણી ઇંદ્રિયો ઉપર થાય છે. ઇંદ્રિયો મનને સંદેશો પહોંચાડે છે અને મન જ્ઞાન ઉપર અસર પહોંચાડે છે. ત્યારે મોહનીયકર્મની પ્રેરણાથી ક્રોધ થઈ આવે છે.
તે વખતે ઇન્દ્રિયો કયા નિયમોથી અસર ગ્રહણ કરે છે? મન કયા નિયમોથી અસર ગ્રહણ કરે છે? જ્ઞાન કયા નિયમોથી પ્રવર્તે છે? કર્મ એ શું છે? તથા તેની શી શી અસરો હોય છે? આ બધા પ્રશ્નોના નિકાલ માટે એક એક સ્વતંત્ર શાસ્ત્ર અસ્તિત્વમાં આવે છે. ઇંદ્રિયવિજ્ઞાનશાસ્ત્ર, માનસશાસ્ત્ર, જ્ઞાનશાસ્ત્ર, કર્મશાસ્ત્ર વગેરે વગેરે.
કર્મશાસ્ત્રના વિવેચન વખતે પણ આત્મા, પરમાણુ, વણા, અધ્યવસાયો વગેરે વગેરે અવાંતર વિષયોનું પદ્ધતિસર વિવેચન કરવું પડે છે.