________________
નામકર્મ ૨૧૩
છે. માટે તે શરીર બનાવવા માટે જીવે પૂર્વે બાંધેલું ઔદારિકશરીરનામકર્મઔદારિક શરીરપણે ગ્રહણ યોગ્ય જે બીજી વર્ગણા છે તેમાંથી પોતાના કર્મ પ્રમાણે વર્ગણા મેળવવાનો હક્ક આપે છે. જયાં સુધી એ મનુષ્યપણે રહેશે, ત્યાં સુધી આ હક્ક તેને ચાલુ રહેશે. આ કર્મને લીધે પ્રથમ સમયથી જ તેણે તે વર્ગણાઓ લેવા માંડી.
આ વર્ગણાઓમાં અનંત પરમાણુઓનો જથ્થો હોય છે, તે આપણે પહેલા ભાગમાં શીખી ગયા છીએ. એ જથ્થો એમને એમ રેતીના લાડુ જેવો ભર ભર ભૂકા જેવો નથી હોતો. જો તેમ હોય તો તેવા જથ્થાનું બનેલું શરીર ભર ભર ભૂકા જેવું થઈ જાય. માટે, વર્ગણાની અંદરના ખંધોના પરમાણુઓ, સ્નેહ-ચીકાશ અને લુખાશ વગેરે જે પ્રમાણમાં હોવાં જોઈએ તે પ્રમાણમાં તેમાં હોવાને લીધે પરસ્પર ચોંટી જાય છે-સંઘાતિત થાય છે. આમ પરમાણુઓ પરસ્પર ચોંટી જઈને સંઘાતિત થયેલા સ્કંધો જ જીવ પોતાના શરીરના ઉપયોગમાં લે છે. આવો સંઘાત કરી આપનારું એક નામકર્મ જીવે પૂર્વે મેળવેલું હોય છે. તેથી તે સંઘાતન નામકર્મ. સંઘાતન નામકર્મ જીવને વર્ગણાના સંઘાત પામેલા સ્કંધો અપાવે છે.
આ રીતે સંઘાત પામેલી ઔદારિક વર્ગણા-સંઘાતનનામકર્મ અને શરીરનામકર્મના બળથી જીવે પ્રથમ ક્ષણે લીધી.
આનું નામ આહાર કહેવાય. આવો આહાર–આ વર્ગણા મળવારૂપ આહાર–જયાં સુધી મનુષ્યનું શરીર કાયમ રહેશે ત્યાં સુધી તેને મળ્યા કરશે. આ રીતે પ્રથમ ક્ષણે મળેલી વર્ગણાનું જ શરીર જીવ બનાવવા લાગે છે. એટલે કે, એ સંઘાત પામેલી વર્ગણાઓ પરસ્પર ચોંટવા માંડે છે. તેને પરસ્પર બરાબર ચોંટાડનાર કર્મ પણ જીવની મદદમાં છે, તેને બંધનનામકર્મ કહે છે. જો આ બંધન નામકર્મ ન હોય તો સંઘાતવાળી વર્ગણાના અંધ છતાં પરસ્પર સ્કંધો એક રચના રૂપે મળી ગયેલા ન રહે. જેમ ઘર બાંધવામાં ઈંટોના રજકણો અંદરોઅંદર સંઘાતિત છે, પણ એમને એમ ઈંટ ઉપર ઇંટો ગોઠવીએ તો મકાન મજબૂત ન થાય, તેને ચૂના કે માટીથી પરસ્પર ચોડવા પડે છે. તેમ આ બંધન નામકર્મ વર્ગણાના અંધારૂપી ઈંટોને પરસ્પર ચોડીને એકરૂપે કરે છે.