________________
ભૂમિકા (ભાગ-૩)
કર્મવિચારના પ્રથમના બે ભાગ તરફનો આદર તેના જલદી ઉઠાવ ઉપરથી સારી રીતે જાણવામાં આવ્યો છે. અને ત્રીજા ભાગની પણ સાથે જ ઉપરાઉપર માંગ આવ્યા કરી છે. પરંતુ પ્રેસોની અગવડતાને લીધે બહાર પડતાં ઘણો જ વખત લાગ્યો છે, તો પણ છેવટે વાચકોના હાથમાં ધારણા પ્રમાણે અમે રજૂ કરી શક્યા છીએ, તે પણ સંતોષ માનવાને કારણ છે.
વિલંબનું બીજું કારણ એ પણ છે કે, આ ત્રીજા ભાગનું પ્રમાણ ધારવા કરતાં કંઈક મોટું થયું છે. કારણ કે આઠ કર્મની ૧૫૮ કર્મ-પ્રકૃતિઓનું વિવેચન બે વખત જુદા જુદા સ્વરૂપે આપ્યું છે. અને ત્રીજું કારણ એ છે કે, કર્મપ્રકૃતિઓનું સ્વરૂપ પ્રથમ ઘણા જ વિસ્તાર સાથે લખાયું હતું. પરંતુ તેથી ગ્રંથ ઘણો જ મોટો થવા જતો હતો, એટલે ફરીથી સંક્ષેપમાં લખવાની ફરજ પડી.
બંધ, સત્તા અને ઉદય : કર્મની આ ત્રણ મહત્ત્વની અવસ્થાઓ વિશે આ ત્રણ ભાગમાં લખાયું છે. તે સાથે સાથે કરણો, યોગ, આઠ કર્મ અને તેના પેટાભેદો, નિષેક, ઉદયાવલિકા, કર્મ, વર્ગણા, પરમાણુ, આત્મા, સ્કંધો વગેરે વિશે પણ લખાયું છે.
અમારો ઉદ્દેશ પ્રાચીન પૂર્વાચાર્યકૃત કર્મવિષયને લગતા ગ્રંથોમાં સરળતાથી વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવાનો છે, તે આ ગ્રંથોની યોજનાથી કેટલો સફળ થશે ? તે તો વિદ્વાન પરીક્ષક વાચકો જ કહી શકે. અથવા આ પ્રથમ પ્રયાસ બીજા યથાયોગ્ય પ્રયત્નમાં માર્ગદર્શક બને તો પણ ઘણું છે.
કર્મની અસર વિશે હાલનું સાયન્સ પણ માનતું અને પ્રયોગ કરતું થયું છે. વૈદક અને શરીર વિજ્ઞાનને લગતું શાસ્ત્ર પૂરું થાય છે, તેના અબાધિત નિયમોથી જાણવામાં આવતી પ્રાણીઓની પ્રવૃત્તિ અને ચેષ્ટાઓ ઉપરાંત પણ ઘણા પ્રયોગો એ નિયમોથી બહાર જણાવા લાગ્યા. અને તેના ઉપરથી આખું
કર્મ-૨