________________
કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૯૭
બરાબર ખુલ્લી રહે. તેને ઢાંકનાર આ કર્મનું નામ સમ્યગદર્શનાવરણીય કે દર્શનમોહનીય કહેવાય છે. ઓછાશ કે વત્તાશને લીધે તેના અનેક વર્ગો પડે છે. છતાં અતિ, મધ્યમ અને ઓછામાં ઓછું એમ ત્રણ જ ભાગ પાડીને આપણને સમજાવેલ છે. ચક્ષદર્શન વગેરેમાં જણાવેલ કરતાં આ દર્શનશક્તિ જુદી જાતની છે. એ બરાબર ધ્યાન રાખજો.
આ દર્શનશક્તિ વિશે જરા ફરીથી સમજી લઈએ તો ઠીક પડશે.
જરા આ જગત તરફ, જરા આકાશ, અને સામે ક્ષિતિજ પર એક દષ્ટિ ફેંકો. જુઓને કેટલી બધી વસ્તુઓ નજરે પડે છે ?
અહોહો ! કંઈ પાર નથી. * એકબીજાના સંબંધો તો વિચારો. કેવું અટપટું જગત છે?
બહુ વિચિત્ર છે. કોઈ દોડે છે, કૂદે છે, નાચે છે, જાય છે, આવે છે, પ્રકાશ થાય છે. અંધકાર થાય છે. વાદળાં આવે છે. વળી કોઈ પદાર્થો સ્થિર પડ્યા રહે છે. કોઈ હાલે છે. છતાં એકબીજા પદાર્થની એકબીજા પર અસર થાય છે. સામેનું ઝાડ જોઈએ છીએ, તેનો જમીન સાથે સંબંધ, તેના રંગો, તેનાં પાંદડાં, તેના ઉપર ધૂળ, તેના ઉપર પ્રકાશ, તેને પવન હલાવે, વાદળાં આડે આવે એટલે આછો પ્રકાશ. રાત પડે એટલે અંધારું. તેના પર જંતુઓ-પક્ષીઓ બેસે છે ને નીચે પશુઓ વિસામો લે છે. કાગડો બેસે ત્યારે ડાળી વધારે હલે છે. કોઈ કાપે છે. કોઈ પાણી પાય છે. વરસાદમાં ઝાડ ખીલી ઊઠે છે. તેના કોઈ માલિક હોય છે. ટીશીઓ મોટા પાંદડાંનું રૂપ લે છે. પાકાં ફળ પડે છે, નવાં બેસે છે. આમ અનેક ઘટનાઓ આ વખતે જ ચાલી રહી છે.
આ બધી વિચિત્ર ઘટના માત્ર એક ઝાડ ઉપર જ તમને જણાય છે, પણ આખા જગતનો વિચાર કરીએ તો કેવું અદ્ભુત નાટક દેખાય ?.
અહા હા !
બસ, આવી વિચિત્ર ઘટના ચાલી રહે છે. તેનું જ્ઞાન તો આત્મા કરે છે, તથા તેમાં પોતાના ઉપયોગની પ્રવૃત્તિ કરવી જોઈએ તે આત્મા કરે છે પણ જગતના આવા અટપટા સંબંધો ખરી રીતે તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી શી રીતે ગોઠવાયેલા છે ? તે પારખવાની શક્તિ તે દર્શનશક્તિ છે. દર્શનશક્તિથી