________________
૧૪૦ કર્મ-વિચાર ભાગ-૩
આ જગતમાં બીજું શું છે? જયાં જુઓ ત્યાં પ્રાણી જ પ્રાણી તરવરે છે. ચારે તરફ તપાસી વળીએ, દેશદેશ ફરી વળીએ, બધે પ્રાણીઓ જ દેખાય છે. અત્યારે મને પ્રાણીઓની યાદદાસ્ત એટલી બધી તાજી થઈ છે કે, હજુ કેટલાંયે ગણાવી દઉં. જાણે મારી નજરે તરવરતા હોય ?
શું તમને દુનિયામાં પ્રાણીઓ સિવાય બીજું કંઈ જણાતું જ નથી?
ના, ના. એકલા પ્રાણી જ છે, એમ મારું કહેવું નથી. જડ પદાર્થો પણ ઘણા છે. એટલે જડ પદાર્થો અને ચેતનાવાળાં પ્રાણીઓ આ બે સિવાય હું આ દુનિયામાં ત્રીજું કંઈ નથી જોતો. બધે પ્રાણી જ પ્રાણી છે. એમ જે મેં કહ્યું, તે તો મારા મનમાં ઘણાં પ્રાણીઓ યાદ આવવા લાગ્યાં હતાં. તેથી દોરવાઈ જઈને કહ્યું હતું. પરંતુ જગતમાં બંને વસ્તુ ઘણી જ જણાય છે.
હા, હવે ઠીક. પ્રાણિજ સૃષ્ટિ અને જડસૃષ્ટિનો વિશેષ વિચાર તો આગળ પણ કરીશું.