________________
૧૩૨ કર્મ-વિચાર ભાગ-૨
' ઉપશમનાકરણ : કર્મોને શાંત રાખે, એટલે ઉદય, ઉદીરણા, નિદ્ધત અને નિકાચના, એમાંનું કાંઈ પણ ન થવા દે.
નિદ્ધતિકરણ : ઉદ્વર્તના, અપવર્તના, સિવાય કોઈપણ કરણની અસર કર્મની ઉપર ન લાગે, એવી કર્મની હાલત કરી મૂકે.
નિકાચનાકરણ : કોઈપણ કરણની અસર કર્મ ઉપર ન થાય, એવી હાલતમાં કર્મને મૂકી દે છે.
૧. આપણા શરીરમાં આપણને પણ આવો જ કાંઈક અનુભવ થાય છે : આપણે આપણા હાથમાં લઈને ખોરાકને મોંમાં મૂકીએ, ત્યારથી તેનો સંબંધ-બંધ શરીર સાથે શરૂ થયો, એમ ગણીએ.
' એ ખોરાક ચવાઈને તેના બારીક ટુકડા થઈ હોજરીમાં જાય છે. અને હોજરીની ગરમી લાગીને તેનો રસ થાય છે. રસમાંથી ધાતુઓ બને છે. તેમાંથી ઉપધાતુઓ, મળો વગેરે બને છે.
ફરીથી ખાઈએ. ત્યારે પણ તેનું તે જ પ્રમાણે બને છે. છતાં બીજી વખતે ખોરાક લેતી વખતે જૂના ખોરાકમાં જે જે રૂપાંતરો થતાં હોય છે, તેમાં ફેરફાર થવા માંડે છે. ખોરાક વધારે પડતો લેવાય, તો પ્રથમનો ખોરાક ખોટી રીતે આગળ ધકેલાય છે ને ઝાડા થઈ આવે છે. રસનું લોહી ન બનતાં કફમાં રૂપાંતર-સંક્રમણ થાય છે. તાવની ગરમી ઉત્પન્ન થઈ રસ સુકાઈને શોષણ થાય છે. વધારે પ્રવાહી રસ ઉત્પન્ન થઈને હોજરીને આંતરડા પિત્ત અને કફથી ભરાઈ જાય છે. પવન દરેક ચીજોને આમથી તેમ લઈ જાય છે. વમન કે વિરેચન કરે તેવી વસ્તુ ખવાય છે, તો મળોની ઉદીરણા થાય છે. લોહીનું દબાણ વધે છે. તો તે લોહીની ઉદીરણા થાય છે. કોઈ વખતે પિત્તનો ઊભરો આવે છે, પણ તેવી દવા લેવાથી તે શાંત પડી જાય છે. અથવા થયેલ રોગ દવાના જોરથી શાંત પડ્યો રહે છે. દવાનું બળ ઘટતાં, અથવા તેવા નવા સંજોગો મળતાં પાછો રોગ એકાએક ફાટી નીકળે છે. એક જ ખોરાક જુદા જુદા અવયવો, જુદાં જુદાં સ્થાનો, જુદી જુદી ધાતુઓમાં જઈને જુદી જુદી અસર ઉત્પન્ન કરે છે. શરીરમાં થતી તમામ વિવિધ અસરોની અસરો કર્મો ઉપર પણ પડે છે. પિત્તમાં સુદર્શન ચૂર્ણનો રસ ભળીને તે શુદ્ધ થાય છે. કફમાં ગોળ કે કફ કરે તેવી ચીજ ખાવાથી વધારો થાય છે. સૂંઠ કે પીપરીમૂળ લેવાથી કફ શુદ્ધ થાય છે. લંઘનથી પિત્ત ઘટીને શુદ્ધ થાય છે, ને તેનું લોહી પણ બની જાય છે. શરીરમાં થતા વિવિધ ફેરફારો સાથે, કર્મ ઉપર પડતી કરણોની અસરોની વિવિધતા ખૂબ સૂક્ષ્મતાથી ઘટાવી શકાય તેમ હોય છે. અને તે આગળ ઉપર વિસ્તારથી સમજાવીશું.