________________
પાઠ ૧૦મો કરણની વિચિત્ર અસર (ચાલુ)
૧. ઝાડનું બીજ આપણે વાવીએ, ત્યારે તે એક દાણારૂપે હોય છે. પણ તેમાં એવી એવી વિચિત્ર શક્તિઓ હોય છે કે, તેમાંથી જ પહેલાં બે પાંદડાં ફૂટે છે, અને પાછળથી એ પાંદડાં જ ડાળીરૂપે બની જાય છે. પરિણામે ફૂલ, ફળ, વગેરે અનેક વિચિત્ર વિચિત્ર વસ્તુઓ ઉત્પન્ન થાય છે.
એ ઝાડ મોટું થયા પછી, તેને પાણી ને ખાતર આપો. તો તે જ ખાતરને લીધે જે પાંદડાં ફૂટવાની તૈયારીમાં હોય, તેની કૂંપળો બહાર આવે છે. જે ફળ નાનું હોય, તે વધે છે, કાચું હોય, તે પાકું થાય છે. પાકું હોય, તેમાં મીઠાશ અને રસ વધે છે. પાતળી ડાળી હોય, તે જાડી થાય છે. અણખીલ્યું ફૂલ ખીલે છે, અને તેમાં ફળ બેસવાની તૈયારી થાય છે. આવી વિચિત્રતા આપણે જોઈ શકીએ છીએ. એક જ વખતે, અને એક જ જાતના પોષક ખાતર અને પાણીથી આ બધું બને છે.
જે વખતે દાડમના ઝાડ ઉપર પાકાં, મઝાનાં, મન લલચાવે એવાં દાડમ લટકતાં હોય છે, તે જ વખતે બીજાં નાનાં દાડમ કાચાં હોય છે. કેટલાંક ફૂલ ઊઘડ્યાં હોય છે, કેટલાંક કળીની સ્થિતિમાં હોય છે. હવે, તમે તે ઝાડના મૂળમાં ખાતર ને પાણી પૂરો. શું પરિણામ આવશે ? શું ફૂલની કળીઓમાંથી એકદમ પાકાં દાડમ બની જશે ?
નહીં જ. ક્રમે ક્રમે ખીલશે, કાચાં હશે, તે પાકશે, પાક્યાં હશે, તે ખરવાની તૈયારીમાં આવશે. એમ દરેક વિભાગમાં પોતપોતાની પછીની સ્થિતિ ઉત્પન્ન થતી રહેશે.
હવે, તમે બરાબર સમજ્યા હશો કે, ખાતર અને પાણી એ