________________
પાઠ ૩જો
બંધના પ્રકારો (ચાલુ) ૨. પ્રકૃતિબંધ; ૩. સ્થિતિબંધ; ૪. રસબંધ
પાણીમાં રંગની ભૂકી, દૂધમાં પાણી, લોઢામાં અગ્નિ ભળી જાય છે, તેમ યોગથી આકર્ષાયેલી કામણવર્ગણા તે જ યોગના બળથી આત્મપ્રદેશો સાથે ભળી જાય છે તે પૂર્વનાં કર્મો સાથે ચોંટી જાય છે.
જેમ, ગુલાબી રંગ પાણીને ગુલાબી, ને લીલો રંગ લીલું કરી મૂકે છે તેમ જ જે સમયના યોગસ્થાનકના બળથી જે કામણવર્ગણા આત્મા સાથે મિશ્રિત થઈ હોય, તેના, તે જ સમયના યોગસ્થાનકના બળથી તે જ સમયે કેટલાક ભાગલા પડી જાય છે. ખળામાંથી ખેડૂતને ઘેર આવેલું અનાજ જેમ તેના ભાઈઓ ભાગ પાડીને વહેંચી લે છે, તેમ દરેક સમયે થતા પ્રદેશબંધથી આવેલાં કર્મોના યોગસ્થાનક તે જ સમયે ભાગ પાડી નાંખે છે.
અનાજના ભાગ પડી જતાંની સાથે જ જેમ “તે તે ભાગ કોનો છે?” તે પણ સાથે જ નક્કી થઈ જાય છે, તે જ પ્રમાણે કર્મોનો ભાગ પડતાં જ “તે ભાગ શું કામ બજાવશે ? તે બજાવવાનો કર્મોનો ગુણ-સ્વભાવ પણ તે જ વખતે નક્કી થઈ જાય છે.
સ્વભાવ નક્કી થવો, એટલે, “કર્મનો અમુક ભાગ અમુક પરિણામ નિપજાવશે.” એવું દરેક ભાગલાઓમાં નક્કી થઈ જાય છે તે. અને તે, તે જ સમયના યોગસ્થાનકના બળથી જ નક્કી થઈ જાય છે. આવી રીતે, કામણવર્ગણાના પડી ગયેલા પ્રત્યેક ભાગલાના સ્વભાવનો નિર્ણય થઈ જવો, તેનું નામ “પ્રકૃતિબંધ” કહેવાય છે.