________________
સજ્જનોની વાત કદી એવી નથી હોતી કે, જેથી દરિદ્રના દિલને જખમ પહોંચે !
શેઠે સ્પષ્ટતા કરતાં કહ્યું : હું શ્રીદેવી માટે આ વિમલનું માગું કરવા આવ્યો છું. વિમલ માટેની આ માંગણી પૂરી કરવા તમે જ સમર્થ છો ! બોલો, હવે મારી વાત સાચી છે કે નહિ? પાટણ જે ભિક્ષાપાત્રને ભરી ન શક્યું, એ ભિક્ષાપાત્ર તમે જ ભરી શકો એમ છો, આ વાત ખોટી હોય, તો કાનની બૂટ પકડીને ભૂલનો એકરાર કરવા હું તૈયાર છું.
શેઠની રમૂજી આ રજૂઆતે સૌ ખડખડ હસી ઊઠ્યા. મેઘાશાહનું મકાન જાણે પ્રસન્નતાનો મંડપ બની ઊઠ્યું. પવિત્ર બનાવવા ગંગાનો પ્રવાહ સામે પગલે ચાલ્યો આવ્યો હોય અને ચાંલ્લો કરવા લક્ષ્મીદેવી સામેથી હસતા હૈયે પધાર્યા હોય, એના જેવી ધન્ય આ ઘડી હતી ! વિરમતિ અણસમજુ નહોતી કે, આવા અવસરે મોં ધોવા જવાનો પણ વિચાર-વિલંબ કરે ! એણે કહ્યું : શેઠ આપની માંગણી સ્વીકારતાં પૂર્વે મારે તો ક્યાં કંઈ વિચાર કરવા જેવું છે? જે કંઈ વિચાર કરવાનો છે, એ આપે જ કરવાનો છે. અમારી સ્થિતિ-પરિસ્થિતિથી આપ પરિચિત છો, સંપત્તિના સાગર વચ્ચે ઊછરેલી શ્રીદેવી ક્યાં ? અને સંપત્તિના ખાબોચિયાનું દર્શન પણ અત્યારે જેના માટે દુર્લભ છે, એવો મારો આ વિમલ ક્યાં? આ બધો વિચાર આપે કરવાનો છે, કાલે ઊઠીને લોકોને એવું બોલવાનો અવસર ન મળે કે..
શેઠે વીરગતિના વાક્યને અધૂરું રાખીને જવાબ આપ્યો કે, આ બધો વિચાર કરીને જ તો હું આવ્યો છું. સંપત્તિ-સંપત્તિ શું કરો છો ! વિમલ પાસે ભાગ્યની જે મૂડી છે, એ મૂડી મેળવવા તો અમારે ભવો કરવા પડશે. બોલો, વિમલનું નક્કી ને ? બોલ, વિમલ ! તારી શી ઈચ્છા છે?
શેઠે વિમલ તરફ પ્રશ્નસૂચક નજર કરી. વિમલે લજ્જાથી નયન નીચાં ઢાળી દીધાં. વીરમતિએ તરત જ ગોળધાણા વહેંચીને જાણે ભાગ્યના ભાનું પ્રકાશ વેરી શકે, એ માટે પૂર્વની બારીનું ઉદ્ઘાટન કર્યું.
૭૬ - આબુ તીર્થોદ્ધારક