________________
કોયલ જેવો મીઠો દ્વારપાળનો આ ટહુકો સાંભળીને ખુશ ખુશ થઈ ગયેલા ભાટ-ચારણોના આગેવાન વાચસ્પતિએ જવાબમાં કહ્યું : ભલા દરવાન ! અમે પરદેશી છીએ. એ તમે સાચું જાણ્યું! વળી અમે જાતના સરસ્વતીપુત્ર છીએ, દેખીએ એવું ભાખીએ છીએ, દર્પણ જેવા અમારાં દિલ છે, જે હોય એ જ ઝીલીએ અને જગતને બતાવીએ. ગુજરાતની કીર્તિ ઘણી ઘણી સાંભળી હતી. દંડનાયક વિમલની વાતો અમારા કાને ઠીક ઠીક પડી હતી, એથી થયું કે, જાણ્યા કરતાં જોયું ભલું ! માટે ફરતા ફરતા ગુજરાતની કીર્તિનું પારખું કરીને વિમલની કિર્તિનું પારખું કરવા અહીં આવ્યા છીએ. વિમલ કેવા છે એ તો કહો. અહીંનું વાતાવરણ જોતાં તો અમારી અધીરાઈ હવે વધી ગઈ છે.
દ્વારપાળે કહ્યું : સરસ્વતીપુત્રો ! અમારા દંડનાયકની તો વાત જ થાય એમ નથી. જેવા દાતાર છે, એવા જ કલાકાર છે. જેવા કલાકાર છે, એવા જ રૂપાવતાર છે, જેવા બાહુબળી છે, એવા જ બુદ્ધિબળી છે, જેવા બુદ્ધિબળી છે, એવા જ સૌભાગ્યશાળી છે. પણ....
ચારણ વાચસ્પતિને થયું કે, ગુણો ગાતાં ગાતાં સેવકનું મોં આ રીતે ભરાઈ જાય છે, એથી નક્કી થાય છે કે, વિમલ ખરેખર વિમલ જ હોવા જોઈએ. અરે ! પણ આ દરવાન બોલતાં બોલતાં કેમ થંભી ગયો ? ચારણે પૂછ્યું : દરવાન ! અટકી કેમ ગયા? “પણ” નો પાણો વચમાં કેમ નાખ્યો ?
દ્વારપાળ બોલ્યો : સરસ્વતીપુત્રો ! તમે સાંભળ્યું જ હશે કે, અત્યારે આબુ-દેલવાડા પર દહેરાં ચણાય છે, તમને કદાચ એય ખબર હશે કે, આ દહેરાં અમારા દંડનાયક પાણીના મૂલે સોનું વહાવીને બંધાવી રહ્યા છે. તમે એક દિવસ મોડા પડ્યા. જ્યારથી આ નિર્માણ પ્રારંભાયું છે, ત્યારથી અમારા દંડનાયક તનથી અહીં હોય, તોય મનથી તો આબુ પર જ હોય છે. પણ અત્યારે તો એઓ તનથી પણ આબુ પર છે. ગઈ કાલે જ એઓ આબુ ગયા ! હવે આવતાં સહેજે ત્રણ ચાર દિવસ તો થઈ જ જશે ! મંત્રીશ્વર વિમલ ર૦ ૨૬૩