________________
રાજા-મહારાજાઓનું પણ સ્થાન જોવા મળતું. એ કાળે સરસ્વતી-પુત્ર જો કાવ્ય કરી જાણતા, તો રાજા-મહારાજાઓ એની કદર પણ કરી જાણતા !
આવો ધન્ય એ યુગ હતો. એથી ધીમે ધીમે ૫૦૦ ભાટ-ચારણોનો સંઘ રચાઈ ગયો અને સૌ ગુજરાત તરફ ચાલ્યા, ચંદ્રાવતી નગરી જેમ જેમ નજીક આવતી ગઈ, એમ એમ એમના કાનમાં રાત-દિવસ આબુનો તીર્થોદ્ધાર અને તીર્થોદ્ધારક દંડનાયક વિમલ આ બેનાં જ ગીતો ગુંજવા માંડ્યાં, અણહિલ્લપુર પાટણમાં પગ મૂકતાં જ એમને લાગ્યું કે, ગુજરાત દેશ ગરવો ગણાય છે, એ જરાય ખોટું નથી. ભીમદેવના દર્શને એમની આંખો અને એમનાં અંતર અનેરી તૃપ્તિ અનુભવી રહ્યાં, દંડનાયક વિમલનાં નામ-કામ તો અહીં ઘરે ઘરે અને ચોરે-ચૌટે ગવાઈ રહ્યાં હતાં, રાજસભામાં પણ આના જ પડઘા પડતા હતા. એ જોઈ-સાંભળીને ચારણોને થયું કે, ભીમદેવથી અપમાનિત થયેલ વિમલના પાટણ-પરિત્યાગની વાતો વિદ્વેષીઓએ ઉપજાવી કાઢેલી તો નહિ હોય ને ?
મનભર પાટણનું આતિથ્ય માણીને એ ચારણ સંઘ એક દિ' ચંદ્રાવતીના પાદરે આવીને ઊભો. આબુની તળેટીમાં વસેલી આ નગરીમાં, તો એ પહાડી પ્રદેશ, દિવસ-રાત જાણે દંડનાયક વિમલની કીર્તિના પડઘા ફેલાવવાનું જ કાર્ય અદા કરતો જોયો, ચારણોએ વિચાર્યું કે, ઘણી વાર નામ મોટાં ને કામ છોટાં જ નહિ, ઉપરથી ખોટાં હોય છે. ડુંગરા દૂરથી રળિયામણા લાગે, એવુંય ક્યારેક ખૂબ જ પ્રસિદ્ધ માણસની બાબતમાં બનતું હોય છે. એથી આપણે વિમલના ઘરે જ પહોંચી જઈએ, તો આજ સુધી સંભળાયેલી એની કીર્તિ-ખ્યાતિની કચ્ચાઈ-સચ્ચાઈ પરખાઈ જશે.
ચંદ્રાવતીની શોભા જોતો જોતો એ ચારણ-સંઘ છેક દંડનાયકના મહેલના દરવાજે આવી ઊભો. દ્વારપાળે પૂછ્યું : “અતિથિ-દેવો, ક્યાંથી પધારો છો ? વેશ-પહેરવેશ પરથી પરદેશના જણાવ છો.’
આબુ તીર્થોદ્વારક
૨૬૨