________________
શિયાળાના દિવસો હતા. મધ્યાહ્નનો સમય હતો, માથે સૂરજ ઉષ્મા વેરી રહ્યો હતો, આ માર્ગ કોઈ ગામડા કે કોઈ જંગલ સાથે સંકળાયેલો ન હતો, એનું જોડાણ ગુર્જર રાષ્ટ્રનાં મુખ્ય મુખ્ય શહેરો સાથે થતું હતું. પણ છેલ્લા કેટલાક સમયથી આ વિભાગ અસલામત બન્યો હતો. ધોળે દહાડે પણ ચોર-લૂંટારાના ભયના ભણકારા આ માર્ગે સતત સંભળાતા રહેતા હતા, એથી આખો માર્ગ ઉજ્જડ અને વેરાન જેવો જણાતો હતો. પરંતુ આ માર્ગે પોતાના અશ્વને દોડાવતા એ વણિકના કોઈ રૂંવાડે પણ ભયનો વાસો કળાતો ન હતો. હવે તો એક ગીચ ઝાડીવાળો પ્રદેશ શરૂ થતો હતો, છતાં કોઈ જાતના ભય વિના એણે પોતાના અશ્વને એ રસ્તે આગળ હંકાર્યો, એ વણિકમાં ભયનું નામનિશાન નહોતું, છતાં એ સાવધ તો પૂરેપૂરો હતો. કારણ કે આ પ્રદેશની ભયંકરતાનો એને બરાબર ખ્યાલ હતો.
થોડી પળો પસાર થઈ. થોડો પ્રદેશ કપાયો અને ગીચ ઝાડી શરૂ થઈ. એ ઘોડેસવાર હવે વધુ સાવધ થઈને આગળ વધવા માંડ્યો, પણ થોડો વધુ રસ્તો કપાતાં જ ઝાડીમાંથી બુકાનીધારીઓનું એક ટોળું એકાએક બહાર રસ્તા પર ધસી આવ્યું. એ ટોળાના સરદારે એક રાડ નાખી : અરે ! વાણિયા ઊભો રહી જા. અમારી સામે આ રીતે ઘોડા પર ચડીને આગળ વધતાં તને શરમ પણ નથી આવતી?
વણિકે સાવધ થઈને શૂરાતનથી જવાબ વાળ્યો : મને રોકનારા તમે વળી કોણ? હું મારા રસ્તે જઈ રહ્યો છું. મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી, પછી મારે શરમ કે બીક રાખવાની જરૂર જ શી છે?
લૂંટારાઓના સરદારને થયું કે, આ વાણિયો વાતથી નહિ, લાતથી જ માને એવો લાગે છે ! એથી એણે કહ્યું : એ તારી ડાહીડમરી વાતો તારી પાસે રાખ. અમે તો આ વનના રાજા છીએ, અમારી રજા વિના તું પગલું પણ આગળ નહિ વધી શકે અને તારી પાસેથી બધું લૂંટી લીધા વિના અમે તને રજા આપીએ એમ નથી ! બોલ, તું ક્યાંથી આવે છે? અને આ કેડે પોટલી શાની બાંધી છે? મંત્રીશ્વર વિમલ ર૦ ૧૩
કાટા ક આ