________________
પણ શેઠ તો હવે લક્ષ્મીદેવીની ભવિષ્યવાણી સાચી પાડવા ગાંભુ તરફ પ્રયાણ કરવાના દિવસો ગણી રહ્યા હતા. એ ઘડી-પળ થોડા જ દિવસો પછી આવી ઊભી, જ્યારે નીના શ્રેષ્ઠીનો પરિવાર હસતે હૈયે ભિન્નમાલની વિદાય સ્વીકારી રહ્યો હતો. જોકે જન્મભૂમિથી વિખૂટા પડવાની વેદના સૌના હૈયામાં હતી ખરી, પણ એનું સ્થાન તો હૈયાનો ભીતરી પ્રદેશ હતો, જયારે કર્મકૃત આવી પરિસ્થિતિને હર્ષથી વધાવી લેવાની પ્રસન્નતાનું સ્થાન હોઠ હતું. ભિન્નમાલની પ્રજા નીના શેઠના પરિવારની એ ધર્યવૃત્તિને ધન્યવાદ આપીને વધાવી રહી, પરંતુ ત્યારેય સૌનાં અંતર તો જાણે વજઘાતની વેદનાથી વિહળ હતાં.
ભિન્નમાલનો સીમાડો આવતાં જ પ્રજાએ મુસીબતે ખાળી રાખેલો આંસુનો બંધ પાંપણની પાળ તોડીને વહી નીકળ્યો. નીના શ્રેષ્ઠીએ સૌને પાછા વળવાનો ઇશારો કરતાં એટલું કહ્યું : બોલ્ય-ચાલ્યું માફ કરજો, અન્નજળ હશે, તો વહેલા વહેલા પાછાં મળીશું ! હું કાયાથી ગાંભુ તરફ જઈ રહ્યો છું, પણ મારું કાળજું તો અહીં જ છે !
-ને શેઠના પરિવારને સમાવતા રથે ગાંભુ ભણી આગે બઢવા ઝડપી ગતિ પકડી. એની ઘૂઘરીના ઘમકાર પણ ભિન્નમાલની પ્રજાના અંતરમાં વેદના-આઘાત અને વિહળતાનું આંદોલન જગવવામાં નિમિત્ત બની રહ્યા.
મંત્રીશ્વર વિમલ
છે ૧૧