________________
“મહારાજ ! આમાં મારો આભાર માનવાનો ન હોય ! આ તો મેં એક ફરજ બજાવી છે, આપના સેવક તરીકે રાજ્યમાં જે કંઈ બનતું હોય, એનાથી વાકેફ રાખવાનું મારું કર્તવ્ય છે. મહારાજ આપે વિમલનો મહેલ બરાબર જોયો ખરો ?
દામોદર મહેતાનો આ પ્રશ્ન સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કરતાં ભીમદેવે કહ્યું : મહેતા, આમ કેમ પૂછો છો ? મેં જ શા માટે, તમે બધાએ એ મહેલના શિલ્પ-સૌંદર્યનું ધરાઈ ધરાઈને દર્શન કર્યું ! એમ તમે ક્યા સંદર્ભમાં આ પ્રશ્ન કરો છો, એ સમજાયા વિના તો હું શો જવાબ વાળું?
મહારાજ મારો સંદર્ભ ગંભીરતાનો છે. એ મહેલમાં કેટલીક ચીજોનું દર્શન ગંભીરતા પ્રેરે એવું હતું, એ તરફ ધ્યાન દોરવા હું બીજી વાર પૂછવા માગું છું કે, આપે વિમલનો મહેલ બરાબર જોયો ખરો ?”
મહેતા પોતાનો દાવ અજમાવવા માંડ્યા. ભીમદેવના દિલમાં ગંભીરતા' શબ્દ કઈ કઈ આશંકાઓ જન્માવી દીધી. એમણે કહ્યું : એ વખતે નજરમાં ગૌરવને સ્થાન હતું, એથી ગંભીરતાની નજરને અવકાશ ક્યાંથી રહે ! ત્યાં હાથી હતા, ઘોડા હતા, સશસ્ત્ર ચોકીપહેરો હતો, કોટકિલ્લાની સુરક્ષા હતી, અને એવું ઘણુંબધું હતું ! આમાં ગંભીરતાથી જોવા જેવું વળી શું હતું?
આ જ મહારાજ ! આ જ હાથી, ઘોડા, ચોકીપહેરો, કોટકિલ્લા આ બધી ચીજોની જ ગંભીરતાથી નોંધ લેવા જેવી નથી શું? આ બધું તો રાજાના આંગણે શોભે, પ્રજાના આંગણે નહિ, વિમલ દંડનાયક છે, એથી શું એ કંઈ પ્રજા-જન મટી જાય છે ? અને એને રાજાના સમોવડ બનવાનો ઇજારો મળી જાય છે? મહેલનું બાંધકામ, એની રચના , એની મજબૂતાઈ અને એનો વૈભવ જોતાં એક એવી આશંકાની કાળી વાદળી મારા અંતરમાં ધસી આવે છે કે, કાલ ઊઠીને વિમલ કદાચ....”
૨૧૦
આબુ તીર્થોદ્ધારક