________________
કથા પરિચય
સંવત નવસે ત્રાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ આબુ તણાં જેણે દેહરા કરાવ્યા, બે હજાર બિંબ સ્થાપ્યા. આ સ્તવન પંક્તિ દ્વારા ગુંજતી રહેતી જેમની અમરકીર્તિ ગીત-સંગીતમાં દિન-પ્રતિદિન લય-તાલબદ્ધતાની વૃદ્ધિ થતી જ રહે છે. એ મંત્રીશ્વર વિમલનું અમર સર્જન વિમલ વસહી-આબુ દેલવાડા જેટલું જાણીતું છે એટલું જ આ વિમલ વસહીના સર્જકનું જીવન અજાણ છે. આશ્ચર્યકારી વાત તો એ છે કે, વિમલમંત્રીના પૂર્વજો વનરાજ ચાવડા સુધીના ગૂર્જર રાષ્ટ્રના રાષ્ટ્રીય ઇતિહાસમાં સુવર્ણાક્ષરે આલેખાયા છે. તો વિમલના અનુજોનો નામોલ્લેખ છેક કુમારપાળ ભૂપાળ સુધીના ઇતિહાસ સુધી લંબાયેલો છે. ઇતિહાસના અનેક ગ્રંથોમાં જેમનું જીવન કોઈ માળાના મણકા રૂપે છૂટું છવાયું સચવાયેલું જોવા મળે છે. એ બધા મણકાઓની એક મનોહર માળા રૂપે ગુંથણી એટલે જ પ્રસ્તુત પુસ્તક