________________
૧૨૩
નફાની પ્રવૃત્તિના બદલે નુકસાન કરી રહ્યો છે. તેથી પરસ્પર વિચારણા કરવા લાગ્યા. કેટલાક સુજ્ઞ પુરુષોએ કહ્યું, આરાધના શા માટે કરવાની ? કેટલી વખત કરવાની ? કરતી વખત મન-વચન-કાયા શાંતિ અનુભવે છે ? આવા પ્રશ્નોની હારમાળાએ સ્પષ્ટ કરી દીધું છે કે, મનમાં શાંતિ ન હોય, વચનમાં શુદ્ધતા ન હોય, કાયામાં પવિત્રતા ન હોય તો એ આરાધના અશાંત-અવિવેકી માટે વિરાધક.
પોતે તરે ને બીજાને જે તારે, તરવાનો માર્ગ બતાડે એવા પ્રભુને છેલ્લો પ્રશ્ન પૂછી ભાવયાત્રા પૂર્ણ કરવાનો સંકલ્પ યાત્રીકોએ કર્યો. અમૃતના ઘુંટડાનું પાન કરવા સમાને પૂછયું :
પ્રશ્ન-૭ : તારક, ઉદ્ધારક પ્રભુ ! અમે ચરમશરીરી કે અચરમશરીરી ? પ્રભુએ ટૂંકમાં જ જવાબ આપ્યો, તમે બધા અચરમશરીરી.
ઉપકારી પ્રભુનો જવાબ સાંભળી અમારી ભાવનાની નાવ મધદરીયે ડૂબી જવા જેવી થઈ. જવાબ સાચો હોવા છતાં અમોને તેમાંથી બચવાનો માર્ગ જડતો નહોતો. તેથી શાંત ચિત્તે ધ્યાન-મેડીટેશનનો સહારો લેવા અમારા સંઘવીએ સલાહ આપી. માર્ગ બતાડ્યો. સિમંધરસ્વામીનો ૧૦૮ જાપ કરવા કહ્યું. ગમે તે રીતે છેલ્લા જવાબનું સમાધાન મનથી કરવાનું હતું.
વાતાવરણ શાંત થયું. બધા આસન લગાવી આંખ બંધ કરી ધ્યાન કરવા લાગ્યા. જાપ પવિત્ર મને ચાલુ થયો. આશ્ચર્યની વાત છે. ૧૨ મિનીટ-અડધી ઘડીમાં અમારા ધ્યાનમાંથી અમારા પ્રશ્નનો જવાબરૂપી માર્ગ જડ્યો.
(૧) પાંચમા આરામાં કોઈ ભરતક્ષેત્ર આશ્રયી મોક્ષે જનાર નથી તો તમે ક્યાંથી ચરમશરીરી થશો ? (૨) કર્મ વર્ગણા-ઘાતકર્મની ખપે તેવો તમારો ઉદ્યમ નથી, નિર્મળતા શ્રદ્ધા નથી. તો પછી કેવળજ્ઞાન કે ચરમશરીરી ક્યાંથી થશો ? (૩) મોક્ષની જો અભિલાષા હોય, કર્મ ખપાવવાની તમન્ના હોય તો પાંચમાં આરામાંથી ચોથો આરો જ્યાં સદાકાળ છે ત્યાં જન્મ લો અથવા ઉત્સર્પિણી કાળના મોક્ષગમનના ત્રીજા-ચોથા આરામાં જન્મ લો તો ચરમશરીરી થાશો.
બધાએ ધ્યાન પૂર્ણ કર્યું સાથે મોક્ષમાર્ગની પગદંડી મળી તેનો સંતોષ માની ભાવયાત્રાને સફળ કરવાનો સંકલ્પ કરી ગીત ગાતાં સૌ છૂટા પડ્યા. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન પ્રભુ મારા વંદન.
જેન જયતિ શાસનમ્..