________________
૨૫
(૫) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. પૂરું પાડે છે, સહાયક બને છે, પણ કોઈપણ પદાર્થને બળપૂર્વક ઊભા રાખતું નથી. જે વ્યક્તિ કે પદાર્થ સ્વયં ઊભા રહેવા માગતું હોય તેને, જમીને આધાર આપે છે, પણ પોતે નિષ્ક્રિય છે. તેમ અધર્માસ્તિકાય પણ સ્થિર રહેવા માટે પદાર્થને આધાર આપે છે. સ્વયં નિષ્ક્રિય છે. દરેક વસ્તુએ પોતે સ્થિર રહેવાનું છે. પણ અધર્માસ્તિકાય વિના તે સ્થિર ના રહી શકે. જો અધર્માસ્તિકાય ન હોય તો દરેક વસ્તુઓ જીવો અને અણુઓ આદિ સર્વે આકાશમાં વિખરાઈ જાય. સ્થિર રહેવા માગે તો પણ સ્થિર ન રહી શકે, તેને સતત ગતિમાં જ રહેવું પડે.
ધર્મ અને અધર્મ દ્રવ્ય સંપૂર્ણ લોકાકાશરૂપ વિશ્વમાં એક સમાન રીતે વ્યાપીને રહેલા છે. જેટલા અસંખ્ય આકાશ પ્રદેશ, લોકાકાશરૂપ વિશ્વના છે, તેટલા જ અસંખ્ય પ્રદેશ ધર્મ અને અધર્મના છે. લોકાકાશના વિસ્તાર જેટલો તેમનો વિસ્તાર છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે તો વિશ્વમાં હલન-ચલન અને સ્થિરતા વિગેરે શક્ય બને છે. તે બંને ન હોય તો શું પરિસ્થિતિનું સર્જન થાય તે વર્ણવી જ ન શકાય. અધર્માસ્તિકાય ન હોય તો શું થાય? સમજવા માટે દષ્ટાંત લઈ એ તો - બે વ્યક્તિ સામે મળ્યા બંનેને એકબીજાને મળવા માટે ઊભા રહેવું છે, પરંતુ આ શું થયું? ઊભા રહેવા પ્રયત્ન કરે છે પણ ઊભા જ રહી ન શકાયું, ચાલ્યા જ કરવું પડ્યું, અને બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં દૂર દૂર ચાલવા માંડ્યા અનંત આકાશમાં વિખરાઈ – ફેંકાઈ ગયા, હવે ક્યારેય પાછા નહિ મળે. હવે ધારોકે ધર્માસ્તિકાય ન હોય તો શું બને? બધા એકદમ સ્થિર અને સજ્જડ થઈ જાય. ચાલવા માટે પ્રયત્ન કરે પણ કોણ જાણે શું બન્યુ તે સમજી શકાય નહિ કે, ઘણો પ્રયત્ન કરવા છતાં ચાલી જ ન શકે. બધું જ સ્થિર થઈ જાય. કોઈ ક્રિયા જ શકય ન બને. જ્યાં આ બે દ્રવ્યો છે, તે લોકાકાશમાં જ વ્યવસ્થા છે, માટે જ તેને વિશ્વ કહેવાય છે. આ બે વિભાગ પડે છે. લોકાકાશ એટલે પરિમિતવિશ્વ, અને તેની બહાર અપરિમિત એવું માત્ર આકાશ – (અવકાશ) અનંતઅલોકાકાશ.