________________
૨૯૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન = સત્ તે જ ઈશ્વર છે, સઘળો તેનો વિસ્તાર છે. તે રીતે ઈશ્વર, સર્વ વ્યાપક છે :
પૌરાણિકો આ જ વસ્તુને બીજી રીતે સ્વીકારે છે. તેઓ ત્રિમૂર્તિમય ઈશ્વરને માને છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મદેવનું સ્વરૂપ ઉત્પન્ન કરે છે. મહાદેવનું સ્વરૂપ નાશ કરે છે, અને વિષ્ણુદેવનું સ્વરૂપ સ્થિર રાખે છે, પાલન કરે છે. આ વસ્તુ રૂપાંતરથી આ સૂત્રની વાતને જ સૂચવે છે. જૈનદષ્ટિથી ઉત્પાદાદિ ત્રણ સત્ રૂપ પરમબ્રહ્મ વ્યાપક છે. આ રીતે પણ જૈનદષ્ટિથી ઈશ્વર ઘટે છે. આવું સત્ તે જ ઈશ્વર છે. સઘળું વિશ્વ તેનો વિસ્તાર છે. આ રીતે વેદાન્તીઓનું પરબ્રહ્મ ઘટે છે. જે છે, જે થાય છે, જે થશે, અને જે નાશ પામે (બદલાયો છે, તે સત્ છે. તે ત્રિગુણાત્મક સ્વભાવ સર્વવ્યાપક છે. દરેક પળે સક્રિય છે. આવા સ્વભાવરૂપ ઈશ્વરતત્ત્વ સર્વવ્યાપક છે. અને આ રીતે ઈશ્વરતત્વ જ બધું કરે છે, તેમ ઔપચારિક રીતે કહી શકાય.
જો કે ઔપચારિકતા મુખ્ય વસ્તુને આશ્રયીને હોય છે. અહીં મુખ્ય વસ્તુ તરીકે ઈશ્વરની વ્યક્તિ તરીકેની ઇચ્છાથી સર્જન, સંચાલન આદિને માનવાથી ઈશ્વરના ઈશ્વરપણામાં જ હાનિ આવીને ઊભી રહે છે. મુખ્યવસ્તુ જ લોપાઈ જાય છે. તેથી ઈશ્વર વ્યક્તિરૂપે નહિ, પણ ત્રિગુણાત્મક સ્વભાવરૂપે છે, સત્ એ જ ઈશ્વરતત્ત્વ માનતાં વિશ્વમાં સઘળે તેની વ્યાપકતા અને સક્રિયતા ઘટી શકે છે.
વિશ્વની ઘટનાઓમાં નિયામક કોઈ અગમ્યતત્ત્વ, એટલે કે કોઈ અગમ્ય કાર્ય-કારણભાવની નિશ્ચિત વ્યવસ્થા છે. તે સામાન્ય લોકોની સમજમાં આવતી નથી. તેની કોઈ સાંકળ (કડીબદ્ધ વિગતો) પ્રત્યક્ષ જણાતી નથી. તેના કારણે લોકમાં વ્યક્તિ તરીકે ઈશ્વરની કલ્પના પ્રચલિત બની. તેના સ્વરૂપ અને કાર્ય વિષયમાં ઘણી કલ્પનાઓ કરવામાં આવી.