________________
(૩૮) સૂત્ર - ૧૯ :- જીવોનાં પાંચ શરીરો...
૨૧૧
થવાને યોગ્ય બનાવવાનું કાર્ય તૈજસશરીર દ્વારા થાય છે. આ શરીર દશ્ય નથી, પણ શરીરની ગરમી અને ખોરાકના પાચન આદિવડે અનુભવાય છે, અનુમાન થાય છે. કવલાહાર સિવાય લોમાહારથી અને ઉત્પત્તિના પ્રથમ સમયે ઓજાહારથી જે પુદ્ગલસ્કંધો ગ્રહણ થયા હોય, તેને પરિણમાવવાનું કાર્ય પણ તૈજસશરીર જ કરે છે.
→ માનવનું અદ્ભૂતશરીર તો દૂર રહો, એક માખી મચ્છર કે કીડાનું શરીર પણ, તેની આનુવંશિક યોનિ અને કર્મવાળા જીવ વિના નિર્માણ ન થઈ શકે :
આધુનિક વિજ્ઞાન ખોરાકમાંથી કઈ પ્રક્રિયા દ્વારા શરીરમાં લોહી, માંસ વિગેરે બને છે તે શોધવા પ્રયત્ન કરે છે. તેમ છતાં પ્રયોગશાળામાં સ્વતંત્ર રીતે શરીરયંત્રની રચના કરવા, કે રચાયેલા શરીરનું સંચાલન, વિકાસ વિગેરે કરવા સમર્થ બની શક્યું નથી. તૈજસશરીર, કાર્મણ શરીર અને આત્માની ચેતના, આ ત્રણના સહિયારા પ્રયત્નથી શરીરરચના અને તેનું સંચાલન થાય છે. તેમાં કુદરતની મોનોપોલી છે. વિજ્ઞાન ભૌતિકપ્રક્રિયા પકડી શકે, પણ આત્માની ચેતના વિગેરે ક્યાંથી લાવે ?
કીડાથી માંડીને પશુઓ કે મનુષ્યો આદિ વિશ્વના સઘળા જીવોની ૮૪ લાખ યોનિઓ બતાવી છે. જે જીવના ઉત્પત્તિ સ્થાનો છે. તે તે કર્મવાળો જીવ, તે તે શરીર રચનાને અનુકૂળ આનુવંશિક બીજ આદિમાં આવીને, શરીરસંરચના કરી શકે છે. આવી ૮૪ લાખ યોનિઓમાં, તેવા પ્રકારના તૈજસ અને કાર્મણ શરીરવાળા જીવના આગમન વિના માત્ર વિજ્ઞાનના પ્રયોગોની ભૌતિકક્રિયાથી આવું જટિલ અને અદ્ભુત શરીરરૂપી યંત્રનું નિર્માણ પણ ન થઈ શકે, કે તેનું સંચાલન, વૃદ્ધિ વિકાસ આદિ પણ ન થઈ શકે. અરે ! એક માખી, મચ્છર કે નાના કીડાના શરીરને પણ, તેની આનુવંશિક યોનિ અને જીવ વિના નિર્માણ ન કરી
શકાય.