________________
પરમાગમ દર્શન
-: પ્રસ્તાવના :
‘પંચ પરમાગમ’ એ નિગ્રંથ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રણીત સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય સંગ્રહ, નિયમસાર અને અષ્ટપ્રાભૂત-એ પાંચ અધ્યાત્મ તત્ત્વપ્રરૂપક મહાન શાસ્ત્રોનું સમૂહસંસ્કર ણ છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતના પ્રારંભમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે.
સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તરત જ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનું સ્થાન આવે છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના શાસ્ત્રો સાક્ષાત્ ગણધરદેવના વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઇ કથનને સિદ્ધ કરવા માટે શ્રી કુંદકુંદાચાર્યદેવના શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમના શાસ્ત્રોમાંથી થોકબંધ અવતરણો લીધેલાં છે.
શ્રી કુંદકુંદાચાર્યદેવને કળિકાળ સર્વજ્ઞ કહેવામાં આવ્યા છે. ‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃદ્ધપિચ્છાચાર્ય' એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ગમનની જેમને ઋદ્ધિ હતી, જેમણે પૂર્વવિદેહમાં જઈને સીમંધર ભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલાં શ્રુતજ્ઞાન વડે જેમણે ભરતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવના રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાક હાલ ઉપલબ્ધ છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય નામના ત્રણ શારુાને ‘પ્રાભૂતત્રય’ કહેવાય છે અને નિયમસાર અને અષ્ટપાહુડ મળી પંચ પરમાગામ થાય છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિષે ઉલ્લેખો
૧. કુંદપુષ્પની પ્રભા ધરનારી જેમની કિર્તી વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોના - ચારણૠધિધારી મહ મુનિઓના - સુંદર હસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી ?
(-ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ)