________________
ચેતનાથી સમાન હોવા છતાં પણ માનવ અને પશુ વચ્ચે ખાસ્સો ફરક છે. માત્ર હાથ-પગની સંખ્યાનો ફરક કે શિંગડા ને પૂંછડાની ઉણપનો ફરક એ બહિરંગ ભેદ છે.
અંતરંગભેદ માનવને મળેલી અનેકવિધ વિશેષતાઓને આભારી છે. પશુઓ પાસે ક્રિયા છે. માનવ પાસે કળા છે.
સંસ્કરણ કળા એ માનવને મળેલું એક અનૂઠું વરદાન છે. પશુઓ પાસે શરીર છે, માણસ પાસે ફિગર છે. પશુ પાસે “ફેસ' છે, માણસ પાસે ફીચર્સ છે. પશુ પાસે વાળ છે, હેરસ્ટાઇલ નથી. પશુ પાસે જીવન છે, ફેશન નથી.
એકની એક ક્રિયા પશુ કરે અને માણસ કરે તેમાં ફરક રહેવાનો. પશુના સ્નાનમાં ડૂબકી સિવાય કાંઇ ન હોય, માણસના બાથ ને કળાનો ટચ મળે છે. પશુ ભોજન કરે છે, માણસ વાનગી આરોગે છે.
પશુઓના અવાજ માટે આપણે ત્યાં જુદાં જુદાં અનેક શબ્દો છે. જેમ કે કૂતરો ભસે છે, ગાય ભાંભરે છે, સાવજ ગર્જે છે, ગધેડો ભૂકે છે, ઘોડો હણહણે છે, મોર ટહૂકે છે.
અહીં વિશેષતા એ છે કે પશુઓ પાસે વાણી છે, વૈવિધ્ય નથી. ધ્વનિનું વૈવિધ્ય માણસે વિકસાવ્યું છે. માણસ ક્યારેક બોલે છે, ક્યારેક બબડે છે, ક્યારેક બાખડે છે, ક્યારેક વક્તવ્ય આપે છે તો ક્યારેક ગીત લલકારે છે. પશુ પાસે સ્પષ્ટ અવાજ છે, પણ વ્યક્ત ભાષા નથી. ભાષા અને ભાષાંતરની કળા એ માનવની વિશેષતા છે. પોતાની સંસ્કરણ કળાનો જાદુઇ સ્પર્શ આપીને બોલવાની ક્રિયાનું તેણે મોડિફિકેશન કર્યું છે.
પશુ માત્ર નિરક્ષર છે, સાક્ષરના એ માણસની ઓળખ છે. પશુ પાસે અવાજ છે પણ અક્ષર નથી. પંખીના કલરવમાં ક્યાંય કક્કાવારી નથી.
માણસ પાસે અક્ષર છે. અક્ષરના આધારે ભાષા વિજ્ઞાન વિકસ્યું સાથે તેણે લેખન કળા અને વાંચનકળા વિકસાવી. પછી કોઇ લેખક બને, કોઈ કવિ બને, કોઇ ચારણ બને, કોઇ પંડિત બને, કોઇ વક્તા બને, કોઇ શ્રોતા બને, કોઈ વિદ્યાર્થી બને,કોઇ સ્નાતક બને.
ઘરશાળા