________________
આવી ડિસ્ટન્ટ ઉછેર પદ્ધતિથી ઉછરેલું બાળક મોટા થતા એક ટેબલ પર પપ્પા સાથે જમવાનું પણ પસંદ નહીં કરે. જ્યાં જુદા ટેબલની સગવડ ન હોય ત્યાં સમય જુદો હશે. એક જ ઓફીસમાં બેસવાનું હોવા છતાં આવા બાપ-દીકરા ભાગ્યે જ એક કારમાં સાથે જતા હશે. ટાઇમ મેનેજમેન્ટમાં માનનારા આ મહારથીઓ એ વાત ભૂલી જાય છે કે પાંચ મિનિટ બગાડીને પણ દીકરા કે પપ્પાએ એક બીજાની રાહ જોવી એના જેવું ટકાઉ ટાઇમ મેનેજમેન્ટ બીજું કોઇ નથી.
પાછળના વર્ષોમાં મા-બાપને અચાનક એવું મહેસુસ થવા લાગે છે કે દીકરો અમારાથી અળગો જ રહે છે. તેને મન બિઝનેસ અને ફ્રેસ જ છે, ફેમિલી જેવું કાંઈ છે જ નહીં. જરૂર જણાતા ક્યારેક દીકરાને પોતાનો બનાવવાના મરણિયા પ્રયાસો પણ થાય છે, જે સફળ થતા નથી કારણ કે કોઇ પણ સ્ત્રી બાળકના જનમ પછી પંદર કે વીસ વર્ષ બાદ મા બની શકતી નથી. માતૃત્વની પદવી જન્મ અગાઉ નવ મહિનેથી મેળવી લેવી જોઇએ.
જે મા-બાપોએ સંતાનને શરૂઆતના વર્ષોમાં સેવકો, સગવડો કે સાધનોને હવાલે સોંપીને નિરાંત માણી હોય છે તે મા-બાપને વારસદારો મળશે, દીકરો ક્યારેય નહીં મળે. લીઝ ઉપર આપેલા મકાનો પાછા મળતા હશે, સંતાનો પાછા નથી મળતા.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના ખંડમાં ટેબલ પર રહેલી ફોટોફ્રેમ સામે જોઇને કોઇએ કહેલું: “તમારી માતા કેવા સરસ લાગે છે !' ત્યારે ચર્ચિલે કહેલું: મારી માતા તો આનાથી ઘણી સુંદર હતી. આ તો મારી આયા હતી, તેનો ફોટો છે. મારી માતા પાસે સૌંદર્યના પ્રમાણમાં સ્નેહ અને સમય ઓછા હતા. મારા શૈશવકાળમાં મને અપાર હૂંફ અપનારી આયા હતી અને તે આયાને હું ક્યારેય ભૂલી શકતો નથી.'
ચર્ચિલના જવાબ ઉપર મનન અને મંથન કરી લે આજના વ્યસ્ત વાલીઓ. અને દીકરાના ટેબલ પર પોતાની છબી ઠસ્સાથી રહી શકે તેવો પ્રયાસ કરે !
૩૬
ઘરશાળા