________________
પ્રસ્તાવ
કેટલીકવાર શાળાઓના નામ બહુ અર્થસભર હોય છે. જેમ કે સંસ્કાર જ્યોત, વિદ્યામંદિર વગેરે...ભાવનગર શહેરમાં એક શાળાનું નામ છે ઘરશાળા ! “શાળામાં પગ મૂકમાં જ ઘર જેવું વાતાવરણ લાગે. તેવી શાળા એટલે ઘરશાળા' એવું હાર્દ આ નામ પાછળ હશે.
વાસ્તવમાં ‘ઘર' સ્વયં એક એવી શાળા છે જ્યાંથી બહાર પગ મૂકતાં જ માણસને કંઇક શીખીને નીકળ્યાનો અહેસાસ થાય. ઘરશાળા એટલે ઘરનું ઘર ને શાળાની શાળા ! આ શબ્દ તો હજી વામણો લાગે, ઘર એટલે એક સંસ્કાર યુનિવર્સિટી છે, જ્યાંથી સ્નાતકની ડિગ્રી લઇને બહાર નીકળેલાને બહારનો પવન અસર ન કરે ! .
આજે આ યુનિવર્સિટી થોડી નબળી પડી છે. નવી પેઢીનું સંસ્કરણ એ વર્તમાનનો પડકાર જનક વિષય બન્યો છે. થોડો પ્રયાસ અહીં પણ થયો છે. જુના આદર્શો, વર્તમાન પ્રવાહો, શાસ્ત્રસંદર્ભો, વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક તારણોને સંમિલિતરૂપે એક ઔષધીય સ્વરૂપમાં અહીં રજુ કરવાનો આશય છે. વડીલ, આત્મીય પૂ. પંન્યાસ શ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. એ લખાણને સાર્ધત તપાસીને ઉપકૃત કરેલ છે. ગર્ભસંસ્કરણ અંગેના તેમના મૌલિક વિચારોને આમાં વણી લેવાયા છે. આથી લખાણની સમૃદ્ધિમાં પણ વધારો થયો. માનું છું.
આનાથી કર્તવ્યપાલનનો ધર્મ બજાવી સ્વ-પર સમાધિ અને જીવન ઉન્નતિનો પાયો રચાય તો બસ ! તેમાં વાલીઓને મદદરૂપ થવાનું હાર્દ આ લખાણમાં છે, પણ પ્રયાસ, સામે કિનારેથી થયો છે, માટે અંગુલિનિર્દેશ વારંવાર વાલીઓ તરફ થાય તે સહજ છે. વાચકો. એ જ દષ્ટિએ વાંચશે તેવી આસ્થા છે.
જિનવચનથી વિરૂદ્ધ કાંઇ પણ લખાયું હોય તો અંતઃકરણથી. મિચ્છામિદુક્કડં...
મુનિ ઉદયવલ્લભવિજય વિ.સં. ૨૦૬૨, ચૈત્રસુદ-૧, અજાહરાતીર્થ.