________________
ફિલસૂફી ઠોકનારો વાસ્તવમાં જ્ઞાની નથી, ગઠિયો છે. ટી.વી. બગડે ત્યારે પણ જોવાનું અટકે છે અને આંખો બગડે ત્યારે પણ જોવાનું અટકે છે. ભોગભિક્ષુક અજ્ઞાની માણસનું મન ટી.વી. બગડવાની સાથે જ બગડી જાય છે, કારણ કે તેની દુનિયા તો જાણે પડદા પર જ છે. જ્યારે જ્ઞાનીનું મન તો આંખો બગડવા છતાં પણ બગડતું નથી. કારણ કે જ્ઞાનીનું આંતરવિશ્વ અમાપ, અફાટ, અસીમ, અનંત અને અક્ષય હોયછે.
જેનાચાર્ય સ્વ.પૂજ્ય આચાર્ય શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજની આંખો અચાનક ચાલી ગઈ. તે વખતે તેમની ઉંમર પશી વર્ષની આસપાસ હતી. આઘાત પામેલા શિષ્યો અને ભક્તોને આશ્વાસન આપતા તેમણે જે કહેલું કે મને પાછળથી જાણવા મળેલું : “બહારનું કેટલુંય જોઈ નાંખ્યું. હવે કુદરતે અંદર જોવાની અનુકૂળતા કરી આપી. તો અંદર ઊતરી જશું.” એમ લાગે કે આ સંતપુરુષની માત્ર આંખો જગઈ હતી. દૃષ્ટિ અકબંધ હતી. આંખોનું તેજ ગયા બાદ પણ આ મહાપુરુષે દોઢથી બે દાયકાનું શેષ જીવન પૂરીસમતાથી વ્યતીત કર્યું હતું.
લેઝર પદ્ધતિ દ્વારા માત્ર પંદર મિનિટમાં આંખનો મોતિયો ઊતરી જાય એ કોઈ મોટો ચમત્કાર નથી, પણ આ રીતે અચાનક દૃષ્ટિ ચાલી જવા છતાં પૂરી પ્રસન્નતા સાથે જીવન પસાર કરવું એ મોટો ચમત્કાર છે.
અંધારું થાય ત્યારે શું કરવું તેનો જવાબ વિજ્ઞાન પાસે છે. પણ અંધાપો આવે ત્યારે મનને સ્વસ્થ શી રીતે રાખવું તેનો તેની પાસે કોઈ જવાબ નથી. કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા શું કરવું તે અંગે વિજ્ઞાન સક્રિય છે. પણ ખરા સમયે જ એરકંડિશનર ચાલે નહીં ત્યારે મનને ઉકળાટ મુક્ત શી રીતે રાખવું, તે વિજ્ઞાનના કાર્યક્ષેત્રની બહાર છે.
– મનનો મેડિકલેમ (૬૮)