________________
તે જાણી શકે ખરો ? હા, અવધિજ્ઞાન તેની પાસે હોય તો જરૂર જાણી શકે. બીજાનાં મનના વિચારોને જાણી શકાય એવા સાયકો-કેમેરાનું નામ છે- મન: પર્યવજ્ઞાન. કોઇ મુખથી શબ્દો બોલે અને તમે આમ્રરસનો આસ્વાદ અનુભવો અને આદ્રા નક્ષત્ર બેસી ગયું હોય તો પણ આ આસ્વાદાનુભૂતિમાં તમને અભક્ષ્ય-ભક્ષણનો દોષ ન લાગે-તે અમૃત-સવ લબ્ધિ. કોઇ મહાગ્રન્થના માત્ર એક શબ્દ ઉપરથી આખો ગ્રન્થ કડકડાટ બોલી શકવાની શક્તિનું નામ છે પદાનુસારી લબ્ધિ. મુખમાંથી કોઇ ફૂંક મારે અને તે ફૂંકમાંથી અગનજવાળા નીકળીને સામે રહેલી વસ્તુને ભસ્મીભૂત કરી નાંખે તેવું બને ખરું? હા, તેજલેશ્યાની લબ્ધિવાળા યોગી આવો ચમત્કાર સર્જી શકે. પાંચ રોટલીના પીંડામાંથી ૫૦૦ માણસનો જમણવાર થઇ શકે ખરો ? અફીણમહાનલબ્ધિધારી જરૂર આ વિસ્મય સર્જી શકે.
આ સઘળા ચમત્કારો માત્ર કલ્પનાનો વિષય નથી. લબ્ધિસંપન્ન યોગીશ્વર તે ચમત્કારની ઘટનાને વાસ્તવિકતાની ધરતી ઉપર ઉતારવા સક્ષમ હોય છે. આજે વિજ્ઞાનની ચમત્કૃતિઓથી સહુ વાકેફ છે. કોમ્યુટર, નેટ અને રોબોટના ચમત્કારોથી કોણ અજાણ છે ? વિજ્ઞાનના આ ચમત્કારોનું સર્જન પ્રયોગમાંથી થયું છે. ઉપરોક્ત લબ્ધિઓના ચમત્કારોનું સર્જન યોગમાંથી થાય છે. વિજ્ઞાનના ચમત્કારો જડના ચમત્કારો છે. આ લબ્ધિના ચમત્કારો એ ચૈતન્યના ચમત્કારો છે. વિજ્ઞાનના ચમત્કારો આવિષ્કારમાંથી ઊભા થયેલા છે. લબ્ધિના ચમત્કારો નમસ્કારમાંથી ઊભા થયેલા છે. ચમત્કાર ત્યાં નમસ્કાર-એ ચમત્કારના પ્રભાવનું સૂત્ર છે. પણ, નમસ્કાર ત્યાં ચમત્કાર એ ચમત્કારના પ્રાદુર્ભાવનું સૂત્ર છે. સ્વર્ય નમસ્કારનો પર્યાય બનેલા ગૌતમ સ્વામી પાસે આવી અઢળક લબ્ધિઓનો ખજાનો હતો. આમાંની એકાદ લબ્ધિ કોઇની પાસે આવી જાય તો કતારો લાગે તેનાં ગૃહાંગણે ! ચમત્કારોના પ્રયોગો યોજાય અને લાખોની મેદની ઉમટે તે પ્રયોગો જોવા ! ગૌતમ ચમત્કારી બાબા હતા પણ અલગારી બાબા હતા. તેથી લબ્ધિઓનો ખજાનો પાસે હોવા છતાં તે ખજાનો પ્રાયઃ તેમણે ખોલ્યો જ નહિ. સમગ્ર જીવન કાળમાં માત્ર બે વાર જે તેમણે લબ્ધિપ્રયોગ કર્યો !