________________
અને, ગુણીયાજીમાં ગૌતમને પ્રભુ વીરનું નિર્વાણ નીપજ્યાના સમાચાર મળ્યા. ગૌતમ રડ્યા...ખૂબ રડ્યા...બાળકની જેમ રડ્યા...અને બાળક રડે ત્યારે કાંઇક તો મળે જ. ગૌતમને કેવળજ્ઞાન મળ્યું.
ગૌતમ સાથે ઘનિષ્ઠ આત્મીયતા સધાઇ હોય તેવી તીવ્ર પ્રતીતિ અનુભવાય છે. તેથી ક્યારેક આમન્યાના બંધનો વિસારે પડે છે. ગૌતમને આ પ્રસંગે ચીડવવાનું મન થઇ જાય છે.
સ્વામી ! નાના બાળકના હાથમાંથી કોઇ સોનાની વીંટી પડાવી લે ત્યારે બાળક ખૂબ રડે. પણ પેલો આદમી તે બાળકના હાથમાં ચોકલેટ પકડાવી દે એટલે બાળક શાન્ત. તમેય સાવ બાળક જેવા નીવડ્યા ! પ્રભુ વીરનો વિયોગ થયો એટલે જાણે સોનાનું રત્નજડિત કડું જ ઝૂંટવાઇ ગયું આપનું ! અને, આપ કેવા રડવા બેસી ગયેલા ! પણ, કેવલજ્ઞાનની ચોકલેટ હાથમાં આવી એટલે બેંકડો બંધ ! બસ ! ચોકલેટમાં ફોસલાઇ ગયા ? પ્રભુ વીરના વિરહને તમે છેવટે ખમી લીધો ?
મેં ડહાપણ ડહોળ્યું. આખરે રડીને જ મેળવ્યું તો પ્રભુ હતા ત્યારે પ્રભુ પાસેથી જ રડીને કેવલજ્ઞાન મેળવી લેવું હતું ને ? આટલું મોડું કેમ કર્યું?
ગૌતમ એટલું જ બોલ્યા: ત્યારે મારી પાસે કેવલજ્ઞાન ભલે નહોતું પણ કેવલજ્ઞાની પ્રભુ તો હતા. રડવાની ક્યાં જરૂર હતી ?
વીતરાગની દુનિયાથી આપણે તો સાવ અજાણ...તેથી, તે અજ્ઞતાની રુએ વિનયમૂર્તિ ગૌતમની ચિંતા થાય કે અત્યારે સિદ્ધશિલા ઉપર તે શે રહી શકતા હશે ! લોકની જે ટોચે પ્રભુ વિર બિરાજમાન છે તે ટોચે જ ગૌતમ બિરાજે છે. બંન્નેનાં આત્મદ્રવ્યની ટોચ સમાન સપાટીએ. ટોચકક્ષાના વિનયને અહીં આચરીને નિર્વાણ પામેલા ગૌતમ ત્યાં પ્રભુ વીર સાથે સમાસને કેવી રીતે બિરાજી શકતા હશે !