________________
શેરબજારની સિસ્મોલોજી શેરબજારની આગઝરતી તેજી માણસને એ બજાર તરફ આકર્ષે છે.
દરેક વસ્તુના ઇસ્પેસિવ એલિમેન્ટ્સ જુદા જુદા હોય છે. આ બજારની ભડકતી તેજીના રૂપાળા મહોરા પાછળ અણધારી પટકનો અસલી ચહેરો કળાતો નથી. તેજીનો એનેસ્થેસિયા એકવાર જે લે છે તે પોતાના હોંશ ગુમાવી બેસે છે. અને આંખ ખૂલે ત્યાં સુધીમાં મેજર સર્જરી થઈ ગઈ હોય
છે...
સ્પિનર્સ પોતાના કાંડાની કરામત વડે ક્યારેક એવા ફ્લાઈટેડ દડા નાંખતા હોય છે કે બેટ્સમેન પોતાની ક્રીઝ છોડવા લલચાય. તેજીની ફ્લાઈટ જોઈને ઘણા સ્થિરાસની પણ ચલિત થાય છે અને કેટલાકને પોતાની ભૂલ સમજાય છે. બેઈલ્સ ઊડી ગયા પછી ! જિંદગી એ કોઈ ટુર્વેન્ટી ટ્વેન્ટીની ગેમ નથી કે નાહકના જોખમ ઉઠાવવા પરવડે. માણસ એ રીતે સટ્ટો કરે છે જાણે જીવનભરનું કમાઈ લેવા માટે તેની પાસે ગણતરીના જ દિવસો હોય.
પારધિ જાળ નાંખે ત્યારે ઘણા દાણા પણ નાંખે જ. ભોળા કબૂતર તો જ ફસાય ને ! આ દાણાની લ્હાયમાં પાછળ થનારો વધ કે શિકાર દેખાતો નથી, પણ તે હોય છે ખરો. તેજી એ દાણા છે. મંદી એ શિકાર છે.
દિપજ્યોતની ઝાકઝમાળ જોઈને પતંગિયું તેમાં ઝંપલાવે છે ને ક્ષણવારમાં જ ચપટીભર રાખમાં ફેરવાઈ જાય છે.