________________
શેરબજારની સિસ્મોલોજી
કોઈ પણ વ્યક્તિની તગડી શ્રીમંતાઈ કે વરવી ગરીબી કાયમી ન હોય તે બનવાજોગ છે, પરંતુ તેમાં થતો ફેરફાર Gradual હોય તો સમજી શકાય.
આપણે ત્યાં શ્રીમંતોના દાયકા ગણાતા. આજે શ્રીમંતાઈને દાયકા સાથે સાંકળવી મુશ્કેલ છે. તે કલાકોનો મામલો પણ હોઈ શકે.
જૈનશાસ્ત્રોમાં એક અતિ શ્રીમંત શ્રેષ્ઠીની વાર્તા આવે છે. જે પાછળથી ઘસાતો ગયો અને પછી જીર્ણશીર્ણ હાલત થતા તેની ‘જીર્ણશ્રેષ્ઠી' તરીકે ઓળખ થઈ. આજે સોમવારની સવારનો શાલિભદ્ર સાંજે જ જીર્ણશ્રેષ્ઠી બની શકે છે. - શ્રીમંતાઈને કેવળ આંકડા સાથે નહીં પણ આવરદા સાથે પણ માપવી જોઈએ. વાસ્તવનો પોલીસમેન અને પોલીસનો રોલ ભજવનાર બન્નેના ગણવેષ તો સરખાં જ લાગે. એક મહત્ત્વનો ફરક બન્નેના પોલીસપણાના Durationમાં હોય છે.
ઘડિયાળમાં રહેલો કલાકનો કાંટો સાંઈઠ મિનિટે સહેજ પડખું ફેરવે છે અને સમયાંકમાં ફરક પડે છે. સેકંડનો કાંટો સતત ફરતો રહે છે, પણ તેનાથી થતો ફરક નજીવો હોય છે. શેરબજારના ભાવકનો કાંટો સતત ફરતો રહે છે અને એ પણ ખાસ્સા ફરક સાથે. આ બજાર તેની અફડાતફડીને હિસાબે પંકાયેલી છે. આ અફડાતફડીમાં શ્રીમંતાઈના સજેલા વાઘા ક્ષણવારમાં ફગાવી દેવાની ફરજ પડી શકે છે.
૪૦.