________________
શેરબજારની સિસ્મોલોજી
અલબત્ત, ચડાવ-ઉતાર તો વ્યવસાયના ક્ષેત્રે બધે સંભવી શકે છે. તેમાં પણ વૈશ્વિકરણ થવાથી દરેક બજારોમાં હવે આખી એક યુનિવર્સલ ઇફેક્ટ જોવા મળે છે. દુનિયામાં ક્યાંક બનતી ઘટનાની અસર અહીં પણ વર્તાઈ શકે છે તેમ છતાં શેરબજારની આખી વાત જ ન્યારી છે.
બીજા બજારોમાં પણ ઇન્ટરનેશનલ ઇફેક્ટ તો આવી શકે છે પણ તે પોતપોતાની બજાર પૂરતી હોય છે, અંદાજિત હોય છે અને માપસરની હોય છે. શેરબજારની ગૂંથણી આંતરરાષ્ટ્રીય સ્તરે હોવા ઉપરાંત આંતરબજાર સ્તરે છે માટે કોઈ પણ હિલચાલ અહીં મોટી હલચલ મચાવી શકે છે. કોઈ બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધની શક્યતાથી પણ અહીં ઇંડેક્સ તૂટી શકે છે અને અહીંના નાણામંત્રીનાં ચાર વાક્યો પર પણ ઊથલપાથલ મચી શકે છે.
શહેરોમાં રહેતા કેટલાક સંવેદનશીલ વિસ્તારોની માફક શેરબજાર એ વ્યવસાય જગતનો સૌથી નાજુક અને સંવેદનશીલ વિસ્તાર છે. તેના સમીકરણ ઘડીના છઠ્ઠા ભાગમાં બદલાઈ શકે છે અને ત્યારે તમે કાંઈ જ કર્યા વગર પણ સાવ તળિયે સરકી જાઓ છો. લિફટ નીચે આવે ત્યારે પદ્ધતિસર નીચે આવે અને ત્રણ-ચાર માણસોને જ નીચે લાવે. પણ જન્માષ્ટમી વખતની મટકી-ફોડમાં ઉપરથી એક માણસ ગબડે એટલે આખો માંચડો ધરાશાયી ! અને તે પણ પળવારમાં જ !
૩૧