________________
છે. તે તેનું રહેઠાણ નથી, રેસિડન્સ છે. રસોડામાં ચૂલો નથી હોતો, ગેસસ્ટવ હોય છે. થાળી નથી હોતી, ડીશ હોય છે. પવાલું નથી હોતું, ગ્લાસ હોય છે. ચમચી નથી હોતી, સ્પૂન હોય છે.
આ લોકો હવે સવારનો નાસ્તો નથી કરતા, બ્રેકફાસ્ટ કરે છે, બપોરે જમતા નથી, લંચ લે છે. સાંજે વાળુ નથી કરતા, ડિનર લે છે. આ લોકો ભાત નથી ખાતા, રાઈસ ખાય છે. સફરજન નથી ખાતા, ઍપલ ખાય છે. અનાનસ નથી ખાતા, પાઈનેંપલ ખાય છે. રસ નથી પીતા, જ્યુસ પીવે છે. આ લોકો ફ્ળ જ ક્યાં ખાય છે ? તેઓ તો ફ્રૂટ ખાય છે. આ બધા ધાણી નથી ખાતા, પોપકૉર્ન ખાય છે. કચુંબર નથી ખાતા, સલાડ ખાય છે. તેઓ પીણું નથી પીતા, ડ્રિન્ક્સ પીવે છે. ઠંડું પીણું નથી પીતા, સોફ્ટ-ડ્રિન્ક પીવે છે. ભૂંગળીથી નહિ, સ્ટ્રૉંથી પીવે છે. વાનગીનો સ્વાદ નથી હોતો, ટેસ્ટ હોય છે. વાનગી સ્વાદિષ્ટ નથી હોતી, ટેસ્ટફૂલ હોય છે. શાકભાજી તાજા નથી હોતા, ફ્રેશ હોય છે. કૉફી ઠંડી નથી હોતી, કોલ્ડ હોય છે.
તે કલમથી નથી લખતા, પેન-બોલપેનથી લખે છે. કાગળ પર નથી લખતા, પેપર પર લખે છે. પુસ્તક નથી વાંચતા, બુક વાંચે છે. તે કોઈને પત્ર નથી લખતા, લેટર લખે છે. પત્રને પરબીડિયામાં નથી બીડતા, એન્વલપમાં પેક કરે છે અને તે એન્વલપને તે ચોંટાડતા નથી, સ્ટિક કરે છે. તે માટે તે ગુંદરનો ઉપયોગ નથી કરતા, ગમનો ઉપયોગ કરે છે. ટપાલી નથી હોતો, પોસ્ટમેન હોય છે. કારણકે, ટપાલ નથી હોતી, પોસ્ટ હોય છે. ટપાલનું વિતરણ નથી થતું, ડિલિવરી થાય છે.
આ લોકો કોઈને મળતા નથી, મિટિંગ કરે છે. કોઈને સત્કારતા નથી, વૅલકમ કરે છે. કોઈને ‘“આવજો’’ નથી કહેતા, ગુડબાય કે ‘સી યુ’ કહે છે. પ્રણામ નથી કરતા, ગુડ મૉર્નિંગ કે ગુડઈવનિંગ કરે છે. તેઓ દિલગીરી નથી વ્યક્ત કરતા, સૉરી કહે છે.
આ લોકો સવારે ચાલવા નથી જતા, મૉર્નિંગ વૉક કરે છે. કસરત કે વ્યાયામ નથી કરતા, એક્સર્સાઈઝ કરે છે. યોગાસન નથી કરતા, યોગા કરે છે. અખાડામાં નથી જતા, જિમ્નેશિયમમાં જાય છે. તેઓ છાપાં કે વર્તમાનપત્ર નથી વાંચતા, ન્યૂઝપેપર વાંચે છે. સાપ્તાહિક કે માસિક જેવા કોઈ સામયિક નથી વાંચતા, મેગેઝિન વાંચે છે.
ભવ્ય ભાષા : માતૃભાષા
८