________________
આટલી પ્રસ્તાવના કરીને વાત માંડવી છે, ભાષાની...
દરેક ભાષાને પોતાની ખૂબીઓ, ખામીઓ કે ખાસિયતો હોઈ શકે. ભાષા આખરે તો મા શારદાની ભૂષા છે. દરેક ભાષાને પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે. દરેક ભાષાને પોતાની આગવી સુગંધ હોય છે. દરેક ભાષામાં તે તે પ્રદેશની સંસ્કૃતિ, સભ્યતા અને સામાજિક જીવનનું પ્રતિબિંબ પડતું હોય છે. કેટલીક અભિવ્યક્તિ ઉપર તો અમુકઅમુક ભાષાની ઈજારાશાહી જ હોય છે. દરેક ભાષામાં એવા અનેક શબ્દ મળી શકે, જેનો અન્ય ભાષામાં પર્યાયવાચક એક શબ્દ ન હોય. તેથી ક્યારેક તો કોઈ એક ભાષાના અમુક શબ્દનો બીજી કોઈ ભાષામાં અનુવાદ કરવો હોય તો લાંબુ વિવેચન કરવું પડે !
અંગ્રેજી ભાષા એ વિદેશી ભાષા છે. તે ભાષા ઈંગ્લેન્ડ-યુરોપની આબોહવામાં ઊછરેલી છે. તેમાં ત્યાંની સંસ્કૃતિની ગંધ છે. જે તે પ્રદેશની ધાર્મિક માન્યતાઓ, રૂઢિઓ, પ્રણાલીઓ, જીવનશૈલી, આહારશૈલી, વેષભૂષા, વ્યવહારો, સંબંધો, સભ્યતાઓ, દિનચર્યા, ઔપચારિકતા, સંવેદનાઓ, વિચારધારાઓ, ભૌગોલિક પરિસ્થિતિઓ, ઐતિહાસિક વારસો, પરંપરાગત બાબતો, ભાવનાઓ, આદર્શો, હવામાન, રાજકીય અને કાયદાકીય ઢાંચાઓ વગેરે વગેરે અનેક બાબતો ભાષા સાથે જોડાયેલી હોય છે. આ બધા પરિબળો પ્રદેશ – પ્રદેશ અલગ હોય તે સ્વાભાવિક છે. ' ખોરાકની બાબતમાં પણ પ્રદેશ, પ્રકૃતિ અને ઋતુ પ્રમાણે પરિવર્તન જરૂરી હોય છે. ખોરાકની જેમ વેષભૂષા, મકાન-રચના વગેરે જીવનની દરેક બાબત પ્રકૃતિ અને પરિસ્થિતિને અનુરૂપ જ હોવા જોઈએ. ભાષા પણ તે તે પ્રદેશની સંસ્કૃતિ અને પરિસ્થિતિ સાથે તાલમેલ સાધે તેવી હોવી જોઈએ. કોઈ પણ પ્રજાનું નાગરિકશાસ્ત્ર તેમના ઈતિહાસ, ભૂગોળ અને સમાજશાસ્ત્રથી નિરપેક્ષ ન હોવું ઘટે.
પોતાના પ્રાકૃતિક અવયવોથી ટેવાયેલું અને કેળવાયેલું શરીર ઘણી વાર કૃત્રિમ અવયવો સ્વીકાર કરતું નથી. આપણું લોહી અન્ય વર્ગના લોહીને બંધબેસતું નથી થતું. તો, આ દેશની સાંસ્કૃતિક આબોહવામાં કેળવાયેલા આપણા માનસને અને આપણી જીવનધારાને વિદેશી ભાષા કેવી રીતે માફક આવી શકે?
બહુ જ આસાનીથી ગળે ઊતરે તેવી આ વાત અંગ્રેજીગ્રસ્ત માનસિકતા સ્વીકારી શકે તેમ નથી. ભવ્ય ભાષા માતૃભાષા