________________
લાંબા થઈને સૂઈ જાય તેનો વટ પડે ! તેની જેમ ટાંગ ઊંચી કરીને થાંભલા પર પેશાબ કરે તેનો ય વટ પડે ! માનમર્યાદા છોડીને હવે તેની જેમ બિલાડો-બિલાડી, પોપટ-મેના, મોર-ઢેલ રસ્તા વચ્ચે ગમે ત્યાં ગમે તે રીતે વર્તવા લાગ્યા. તેની જેમ કોઈને અચાનક બટકું ભરે તેનો પણ વટ પડે!
પછી તો તેના નાદે અને વાદે ચડીને પોતાના ભાઈ-ભાંડુના મોંઢામાંથી ખોરાક આંચકી લેવો તે પણ પ્રગતિનું લક્ષણ બની ગયું. સહુથી મોટો ફેરફાર કાગડામાં દેખાયો. પહેલા એવું બનતું કે કોઈ કાગડો કોઈના ઘરમાંથી એક પુરી લઈને આવે તો પણ કા-કાકા કરીને આખી કાગડાની નાત ભેગી કરીને તે પુરીનું નાતજમણ કરતો. હવે આ ધોળિયા કૂતરાના અનુકરણથી પરિસ્થિતિનું શિર્ષાસન થયું. હવે કોઈ કાગડાને પુરી મળે એટલે બધા કાગડા કા-કા-કા કરતા તેના પર તૂટી પડે છે અને તે કાગડાના મોંઢામાંથી પુરી આંચકી લે છે !
મહોલ્લાના તમામ પશુ-પક્ષીઓ તેના નાદે ચડવા લાગ્યા. જે જલદી કૂતરાની રીતભાતનો સ્વીકાર ન કરી શક્યા તે પછાત ગણાવા લાગ્યા. સહુ પોતાની જાત ભૂલ્યા, સહુ પોતાની રીતભાત ભૂલ્યા, સહુ પોતાની ખાણી-પીણી ભૂલ્યા, સહુ પોતાની રહેણીકરણી ભૂલ્યા.
આ ધોળિયા કૂતરાની દાદાગીરી ધીમે-ધીમે વધવા લાગી, પણ તેની દાદાગીરી આવૃત્ત હતી. તેની દાદાગીરી પણ સહુને સુંવાળી લાગવા માંડી.
તેણે એકવાર તેના પટાવેલા સ્થાનિક કૂતરાઓને કહી દીધું. બધાને કહી દો - આ શું ભ ભઠ્ઠુ બોલો છો ? મારી જેમ ટીપટોપ ભસતા શીખી જાઓ. તમારા બધાના
બકવાસ બંધ કરો અને મારી જેમ ભસીને ધડબડાટી બોલાવો. ભસતા શીખી જશો તો બીજા મહોલ્લામાં જવું હશે તો પણ તમને તકલીફ નહિ પડે !
આમેય આ ધોળિયા કૂતરાના ‘ભસવા’થી મહોલ્લાના બધાય પ્રાણીઓ ખૂબ અંજાઈ તો ગયા જ હતા !
૨
હવે ભસવાના રવાડે ચડવાનું શરૂ થયું.
ચકલીને ચીં – ચીં કરવામાં લઘુતા લાગવા માંડી. તે ભસવાનું શીખવા માંડી.
ભવ્ય ભાષા : માતૃભાષા