________________
સ્તવનાની પૃષ્ઠભૂ - યોગ ભક્તિ, રાગ ભક્તિ, તત્ત્વ ભક્તિ
“સમાધિશતક' ગ્રન્થની એક મનભાવન કડી યાદ આવે : પર-પદ આતમ દ્રવ્યકું, કહન સુનન કછુ નાંહિ; ચિદાનન્દઘન ખેલહી, નિજ-પદ તો નિજ માંહિ.
આત્માને - ચૈતન્ય તત્ત્વને તમે શબ્દોમાં શી રીતે મૂકી શકો? હા, તમે એને અનુભવી શકો.
કેવી હોય છે એ અવસ્થા, જ્યાં માત્ર હોવાપણું એના પૂર્ણ વૈભવમાં પ્રગટેલું હોય છે ! કવિ રાજેન્દ્ર શુક્લની કાવ્યપંક્તિઓ ગુનગુનાવવી ગમે :
શબ્દનું પાકી જઈ ખરવું હવે; બોલવું ના, માત્ર મર્મરવું હવે... હોય છે તે હોય છે, બસ, હોય છે; ધારણાને કૈ જ ના ધરવું હવે.... રીત ખોટી કાં રકમ ખોટી હશે, મૂકને પડતું ગણ્યા કરવું હવે. શ્વાસની સાથે બધુંય સ્તબ્ધ છે, ક્યાંથી લાવું તુચ્છ તરવરવું હવે... ક્યાં જવું ક્યાં આવવું કાયમ કહો, હોઈએ એ ઠામ બસ કરવું હવે...