________________
અનુવાદ : પવન મેઘને લઈ આવે છે. વળી, તે(પવન)જ તે(મેઘ)ને દૂર ઘસડી જાય છે, તેવી જ રીતે, બંધનની કલ્પના મનની છે, અને મોક્ષની કલ્પના પણ તે(મન)ની જ છે. (૧૭૪)
ટિપ્પણ: “મનોમય” કોશની ચર્ચા ચાલી રહી છે, એટલે આ કોશનાં કેન્દ્રમાં રહેલાં મનનું, એનાં સ્વરૂપનું, એનાં કાર્યક્ષેત્રનું સંપૂર્ણ વિશ્લેષણ મોક્ષાર્થી સાધક સમક્ષ રજુ થાય તો જ, મોક્ષમાર્ગનો એ પથિક પોતાના ધ્યેયસ્થાને, નિર્કાન્ત બનીને, અચૂક પહોંચી શકે.
મન મિત્ર પણ છે અને એ જ મન શત્રુ પણ છે; મન મદદરૂપ પણ છે અને એ જ મન હાનિકારક પણ છે; મન હકારાત્મક (Positive) પણ છે, એ જ મન નકારાત્મક (Negative) પણ છે; મનનું સાચું-શુદ્ધ-મૂળભૂત સ્વરૂપ સુપેરે-સંપૂર્ણતઃ આત્મસાત્ કરવામાં આવે તો, તે જીવનનું સદ્ધર-સમૃદ્ધ જમાપાસું (Asset) બની શકે તેમ છે અને એનાં સ્વરૂપનું અજ્ઞાન જીવનને બરબાદ કરે એવું ખતરનાક ઉધારપાસું (Liability) પણ એ જ બની બેસે, એવું, અત્યંત લાક્ષણિક અને પરસ્પર-વિરુદ્ધ સ્વરૂપ આ મનનું છે. અને મનનાં આવાં વિચિત્ર-વિશિષ્ટ વ્યક્તિત્વના સર્વાગીણ અભ્યાસ પછી જ પેલો અંગ્રેજ ચિંતક એવા આત્યંતિક નિર્ણય પર આવ્યો હશે કે મનમાં એવી તાકાત છે કે તે નરકને સ્વર્ગ બનાવી શકે છે અને એ જ સ્વર્ગનું નરકમાં રૂપાંતર રચી શકે છે : –
It is Mind that makes Heaven of Hell and Hell of Heaven !
કોઈ કહેશે કે આવું તે કાંઈ હોય ? સ્વર્ગ એ સ્વર્ગ છે અને નરક એ નરક છે, સારું એ સારું છે, અને ખરાબ એ ખરાબ છે. ગ્રંથકાર પ્રત્યુત્તર આપતાં કહે છે કે “ભાઈ, તારી આ બધી વાત સાચી, છતાં મનનું સ્વરૂપ એવું જાદુઈ (Magical) છે કે મને આવું બધું અશક્ય જણાતું પણ ક્ષણવારમાં સિદ્ધ કરી શકે છે', અને માટે જ કહે છે કે, – જે મન વડે બંધનની કલ્પના થાય છે, એ જ મન વડે મોક્ષની કલ્પના પણ થઈ શકે છે. મનનાં સ્વરૂપ વિશેનાં આવાં નિરૂપણને ઉપનિષદોનું પણ સમર્થન, આ પ્રમાણે, પ્રાપ્ત થયું છે :
- मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । “એ વળી કેવી રીતે ?” જવાબ જેટલો સંક્ષિપ્ત છે, એટલો જ સચોટ છે : મન જ્યારે વિષયાસક્ત બને છે ત્યારે બંધન સર્જે છે અને એ જ મન જ્યારે નિર્વિષય બની જાય છે ત્યારે મોક્ષ-જનક બની રહે છે – बन्धाय विषयासक्तं मुक्त्यै निर्विषयं स्मृतम् ॥
(બહ્મબિંદુ ઉપનિષદ, ૨) પાયાની વાત છે, મનનાં સાંચાં સ્વરૂપની સમજ અને એની વિધાયક (Positive) શક્તિનો લાભ લેવાની આવડતની, સવૃત્તિની. અને આ વાત કાંઈ માત્ર શાસ્ત્રોક્ત નથી, નિસર્ગ(Nature)નું નિરીક્ષણ પણ આવાં શાસ્ત્રવિધાનની પુષ્ટિ કરે છે : આકાશમાં અહીં તહીં વેર-વિખેર વાદળાંને જે પવન એકત્ર કરીને
વિવેકચૂડામણિ / ૩૩૫