________________
૭પ૧
દોષ દૂર કરવા, અંતઃકરણ શુદ્ધ કરવા, ચિંતન-મનનરૂપી તપશ્ચર્યાનો આકરો ગહન માર્ગ દર્શાવવા મહેણા, ટોણાં કે કટાક્ષના શબ્દબાણથી શિષ્યને વીંધે છે અને તેના અહંકારનું, મમત્વનું, ખોટા તાદાભ્યનું ભેદન કરી તેની અનાત્મતાદાભ્યરૂપી આસક્તિને દૂર કરી, તેને પાવન કરે છે. જે કોઈ સદ્ગુરુના કૃપાકટાક્ષને અપરિપક્વતામાં, અણસમજમાં કે દુર્ભાગ્યને વશ થવાથી શ્રાપ સમજે તે પોતાની ભીતર રહેલા આનંદસાગરથી જ સુદૂર જઈ કિનારે ખડો થઈ જાય છે પરંતુ અમૃતાનંદના એક બિંદુનું પણ આચમન તરીકે પાન કરી શકતો નથી. કેવી દુર્દશા અભાગિયાની? કે પોતાની ભીતર ભર્યો આનંદનો દરિયો અને પોતે જ કિનારે ઊભો તરસે મરે આનંદથી અને ભડકે બળે દુઃખની જવાળાથી પરંતુ સદ્ભાગ્યે જ કોઈ સદ્દગુરુના કૃપાકટાક્ષરૂપી ઉપદેશને આશીર્વાદ સમજે તેને તો ચંદ્રની શીતળ ચાંદની જાણે પોતા પર મબલખ મટુકીઓ દ્વારા ગુરુપૂર્ણિમાની રાતે પોતાના પર અમૃતનો અભિષેક કરતી હોય તેવું અનુભવાય છે. કારણ કે સદ્ગુરુના કટાક્ષને સશિષ્ય કરુણા સમજે છે અને માટે જ તેવો કરુણાપાત્ર જાણે છે કે જેવી રીતે રાતના અંધારામાં પણ ભગવાન સૂર્યને પૃથ્વીના લોકો પ્રત્યે પ્રગટ થવું હોય તો શીતળ શશીનો જ સહારો લેવો પડે છે. શશી દ્વારા જ ધગધગતા વૈશ્વાનર અગ્નિ જેવો સૂર્ય શીતળ થઈ રાતે વસુંધરાને ઠારે છે. તથા દિવસે સૌને બાળતો, અકળાવતો, ત્રાહિમામ્ કરાવતો સૂર્ય જ નિશાના અંધારાને પોતાનામાં લપેટી ચંદ્રરૂપે પ્રગટ થાય છે. તેવી જ રીતે ઈશ્વરને પણ સંસારના સંતાપથી તપ્ત થયેલાં મુમુક્ષુને જ્ઞાનરૂપી ચાંદનીનો પારસ સ્પર્શ કરાવવા સદ્ગુરુરૂપે જ પ્રગટ થવું પડે છે અગર અવતરવું પડે છે. આમ સશિષ્ય તો શ્રદ્ધાપૂર્વક સમજી ચૂક્યો હોય છે કે પરમાત્મા પ્રખર સૂર્ય જેવા છે. તેથી અર્જુને જે ભૂલ કરી, સીધેસીધું વિરાટ દર્શન માગ્યું અને પાછળથી પસ્તાયો તેવું આપણે ન કરીએ અને સીધેસીધા સૂર્ય સમીપ જવાને બદલે સાક્ષાત્ સૂર્યને જ શશી દ્વારા સંપન્ન થઈએ અને સૂર્યના જ દઝાડતાં પ્રકાશને શીતળ બનાવી ઝીલીએ, તેમ પરમાત્માના વિરાટ અને સમષ્ટિસ્વરૂપને, વ્યષ્ટિ અને વ્યક્તિ જેવા સદ્ગુરુ દ્વારા સંપન્ન થઈએ, તેમાં જ આત્મલાભ જેવો મહાન લાભ સમાયેલો