________________
૭ર૯
વાત કરવામાં ન આવે તો થઈ શકે નહીં. માટે જ પ્રારબ્ધની વાતો નકામી કે નિરર્થક નથી. બીજી બાબત એવી છે કે જ્યારે અજ્ઞાનીઓ રોતા કકળતા દુઃખી થઈને સંતો પાસે આવે ત્યારે તેમના દુઃખનું કારણ તેમનું પ્રારબ્ધ છે અને તેથી, પ્રારબ્ધ તો સૌ કોઈને ભોગવવું જ પડે. તેમાંથી કોઈ બચી શક્યું નથી, તેવો ઉત્તર સંતો આપે છે અને શ્રુતિસંમત દલીલો આપી આવા અનેક દુ:ખીજનોને પ્રારબ્ધ સમજાવી આશ્વાસન આપે છે. તથા દષ્ટાંત પણ આપે છે કે સ્વયં ભગવાન રામના પત્ની સીતાજીને રામે ગૃહત્યાગ કરાવેલો અને તેમણે રામથી જુદા રહી બે બે પુત્રોને જન્મ આપ્યો, એકાંતવાસ સહન કર્યો. અરે! સ્વયં ભગવાન રામે વનવાસ વેઠ્યો તો આપણે કોઈ દુઃખથી બચી કેવી રીતે શકીએ? આમ, સંતો પ્રારબ્ધનો આશરો તો માત્ર અજ્ઞાનીને આશ્વાસન આપવા માટે લે છે અને મા શ્રુતિએ પણ લાગણીપૂર્વક મુમુક્ષુના દર્દ ઓછા કરવા માટે જ પ્રારબ્ધની અકથ્ય કથા કહી છે. તેથી કંઈ પ્રારબ્ધ સત્ય છે અને પ્રારબ્ધનો ઉપદેશ આપવાનો શ્રુતિ કે શાસ્ત્રોનો હેતુ નથી. જો પ્રારબ્ધનો સ્વીકાર ન કરીએ, તો જીવન્મુક્તના જીવનની શાસ્ત્રોએ કરેલી વાતો પણ ટકી શકે નહીં અને જ્યારે મોટા મોટા સંતો, જ્ઞાનીઓ કે ઋષિઓને અસાધ્ય રોગ લાગુ પડે છે, ત્યારે પણ લોકોને શંકા જાગે કે જ્ઞાનીને, જીવન્મુક્તને વળી કેવો રોંગ? તો તેવી શંકાના સમાધાન માટે પણ કહેવાય છે કે એ તો જ્ઞાનીના શરીરનું પ્રારબ્ધ છે અને માટે શરીરને રોગ ભોગવવો પડે. જ્ઞાની તો શરીર, તેના રોગ, ભોગ કે યોગથી જળકમળવત છે.
નિષ્કર્ષમાં સમજવાનું કે જ્ઞાનીને નથી દેહ કે તેના સંચિત, આગામી કે પ્રારબ્ધ જેવા કર્મોનો સંગ કે તેમનું બંધન. છતાં પ્રારબ્ધ કર્મની વાત માત્ર જડ બુદ્ધિવાળા અને શંકાશીલ અજ્ઞાનીઓને આશ્વાસન આપવા માટે જ શાસ્ત્ર, શ્રુતિ અને સંતોએ પરોપકારાર્થે કહેલી છે.
, (છંદ-અનુષ્ટ્રપ) परिपूर्णमनाद्यन्तमप्रमेयमविक्रियम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किञ्चन ॥४६५॥