________________
૨૧
નિયમમાં ભંગ થવાથી સંસારમાં અવ્યવસ્થા ઊભી થવાનો પ્રસંગ સાંપડે. પરંતુ તેવા પ્રસંગની સંભાવના નથી. કારણ કે જે કર્મોના ફળ કે પરિણામો શરીર જેવા ભાડાના ઘરમાં રહેનારા જીવાત્માને મળ્યા નથી કે તેણે ભોગવ્યા નથી તે ભોગવવા માટે જીવાત્માએ નવું શરીર, નવી યોની ધારણ કરીને કર્મના ફળ તો ભોગવવાં જ પડે છે. પણ જીવાત્માને ક્યારે પુનઃ જન્મ લેવો, કેવો દેહ ધારણ કરવો વગેરે ઈશ્વરરચિત કર્મના કાયદાને જ આધીન હોય છે.આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે જે જે કર્મોના ફળ જીવાત્માએ ભોગવ્યા નથી અર્થાત્ જે જે કર્મોના ફળ પરિપક્વ ન થયા હોવાથી આ જન્મે જો તેને ન મળ્યા હોય તો તેવા નહીં ભોગવેલા તમામ ફળ કે પરિણામ જીવાત્માને નામે જમા રહે છે. આવા જીવાત્માને નામે જે જે કર્મોના ફળ જમા છે કે સંચિત થયેલાં છે, તે કર્મોને જ સંચિત કર્મ કહેવામાં આવે છે. આવો સંચિત કર્મોનો કે જમા થયેલાં, નહીં ભોગવાયેલાં અગર બાકી રહેલાં ફળ કે પરિણામોના સમૂહ, જથ્થા કે રાશિને વાસ્તવમાં તો ભોગ કે ફળરાશિ જ કહેવાય છે. છતાં તે અનેક જન્મોના ભેગા થયેલાં, નહીં ભોગવાયેલાં પરિણામોનો સંચય હોવાથી શાસ્ત્રમાં તેને સંચિત કર્મ, એવું નામ અપાયું છે. આગામી કર્મ (ક્રિયમાણ કર્મ) :
- જે કર્મો વર્તમાનમાં આપણે કરીએ છીએ અને જેનું ફળ આ જન્મ જ ભવિષ્યમાં આપણને મળવાનું હોય છે અર્થાત વર્તમાન કર્મનું ફળ ભવિષ્યમાં આવવાનું હોય તેવા કર્મને આગામી કર્મ કહે છે. કર્તાભાવે થનારાં વર્તમાનના દરેક કર્મો ફળને જન્માવનારાં હોવાથી ફળ નિશ્ચિતરૂપે કર્તાને ભોગવવું પડે છે. તાત્પર્યમાં, વર્તમાન દેહ દ્વારા મૃત્યુ પર્યત કરવામાં આવતા કર્મોને આગામી કે ક્રિયમાણ કર્મો કહેવામાં આવે છે. આવા કર્મો અજ્ઞાની દ્વારા થતા હોય અગર આત્મસાક્ષાત્કાર થયા પછી અર્થાત્ “હું અકર્તા, અભોક્તા, કર્મથી અસંગ અને બ્રહ્મસ્વરૂપ છું', એવા નિસંદેહ જ્ઞાન બાદ પણ જ્ઞાની દ્વારા શરીર શાંત થતાં સુધી જે કોઈ કર્મો થાય તેને પણ આગામી કે ક્રિયમાણ કર્મ જ કહેવામાં આવે છે. આમ જ્ઞાની કે અજ્ઞાની દ્વારા જ્ઞાન પૂર્વે કે પશ્ચાત થતાં કર્મ આગામી કર્મ કહેવાય છે.