________________
૪૯૭
સર્વ વિકારી વસ્તુઓના વિકારોને જાણનારો આત્મા અવિકારી અને નિત્ય થવાને યોગ્ય છે. તે ન્યાયે એવું પણ સમજી શકાય કે સર્વ પ્રાણી, પદાર્થો, જે કોઈ જન્મેલા છે તેમાં સ્વાભાવિક જન્મ, વૃદ્ધિ અને ક્ષય જેવા વિકારોને લીધે પરિવર્તન થવું અનિવાર્ય છે. આવા પરિવર્તનોનો, ફેરફારનો જે સાક્ષી હોય, તે હંમેશા અપરિવર્તનશીલ, અફર અને અવિકારી હોવી જોઈએ. આત્મા તેવો અપરિવર્તનશીલ, અફર અને અધિકારી સાક્ષી છે. જો તેવું ન હોય તો તે વિકારોને જાણી શકે નહીં. આકાશમાં ઊડતા પદાર્થોની ગતિને જાણવા પાર્શ્વભૂમિકામાં રહેલું આકાશ, અગતિશીલ, અફર અને અચળ હોવું જોઈએ. સ્થિર આકાશ વિના ચલિત વિમાન કે ઊડતા પંખી-પદાર્થોની ગતિ જાણી શકાય નહીં. તેવી જ સિદ્ધાંત આત્માને લાગુ પડે છે. આ શરીર અને અહંકાર બને, સ્વપ્નસમયે તથા મનના કાલ્પનિક વિહાર સમયે અર્થાત મન જ્યારે પોતાના મનોરથમાં કે દિવાસ્વપ્નમાં રાચતું હોય ત્યારે, પરિવર્તન પામતા કે વિકારી જણાય છે. ઉપરાંત, શરીર અને અહંકાર, એ બન્નેનો સુષુપ્તિસમયે તો અવિદ્યમાનપણું, ગેરહાજરી, અનુપસ્થિતિ કે અભાવ સુસ્પષ્ટ રીતે જણાય છે. પરંતુ જાગૃતિસમયે પાછો શરીર અને અહંકારનો ભાવ કે હાજરી અનુભવાય છે. આમ, શરીર અને અહંકાર, આ બન્નેની પુનઃપુનઃ વારંવાર હાજરી-ગેરહાજરી તથા ભાવાભાવ જગજાહેર છે. જ્યારે આત્માનો જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિકાળે કદી અભાવ થતો જણાતો નથી. તે જ પ્રમાણે નથી આત્મામાં પરિવર્તન કે વિકાર. આમ હોવાથી, આત્મા અને શરીર તથા અહંકાર વચ્ચે વિરોધ હોવાથી શરીર કે અહંકારને કદી નિત્ય આત્મા માની શકાય નહીં અને આત્માને દેહ કે અહંકાર તરીકે પણ સ્વીકારી શકાય નહીં.
(છંદ-ઉપજાતિ) अतोऽभिमानं त्यज मांसपिण्डे
पिण्डाभिमानिन्यपि बुद्धिकल्पिते । कालत्रयाबांध्यमखण्डबोधं
જ્ઞાત્વા સ્વમાત્માનમુદિ શક્તિમ્ ર૬૭