________________
૪૯૧
છે. તેવી જ રીતે પરબ્રહ્મરૂપી દર્પણમાં, કે જે જગત માત્રનું અધિષ્ઠાન છે, તેમાં દેખાતું જગત પણ આરોપ કે આભાસ માત્ર જ છે. કારણ કે જગતના નામ અને આકાર દેશ્ય હોવાથી નાશ પામવાના સ્વભાવવાળા છે, વૃષ્ટ: નિ: સ્વભાવ: | તંદુપરાંત જગત માત્ર અજ્ઞાનકાળે જ ભાસે છે અને જ્ઞાનકાળે તેનો બાધ થઈ જાય છે માટે જગત દેખાય છે, અનુભવાય છે, પરંતુ તેને એક જ કાળે રહેનારી પ્રતિભાસિક સત્તા હોવાથી જગત મિથ્યા છે અને દર્પણમાં દેખાતી પ્રતિબિંબિત નગરી જેવું જ છે, તેથી વિશેષ કંઈ નથી. જગતને પોતાની સત્તા કે સ્કૂર્તિ નથી, પરંતુ બ્રહ્મની સત્તાથી જ તે ભાસે છે કે પ્રકાશે છે. તદુપરાંત જગતના નામ અને આકારોમાં ઉદય-અસ્ત છે પરંતુ પરબ્રહ્મ તો ઉદય-અસ્ત રહિત છે. બ્રહ્મતત્ત્વ તો જગતની ઉત્પત્તિ પૂર્વે હતું અને જગતના પ્રલય પશ્ચાત્ પણ રહેશે. તથા વર્તમાનકાળમાં તો ખરેખર બ્રહ્મ જ બ્રહ્માંડરૂપે વિલસી રહ્યું છે. જેમ દોરી પોતે જ સર્પરૂપે ભાસે છે કે છીપ પોતે ચાંદીરૂપે પ્રતીત થાય છે તેમ બ્રહ્મ જગતના નામ અને આકારમાં અંતર્યામી તરીકે અનુસૂત થાય છે અગર સોપાધિક બ્રહ્મ તરીકે ઈશ્વર થઈ ભૂતમાત્રના હૃદયદેશમાં બિરાજે છે. તેવા ઈશ્વરને સોપાધિક બ્રહ્મને કારણે જ જગતના નામ અને આકારોમાં ચેતનતા જેવું જણાય છે. જગતમાં પ્રતીત થતું ચૈતન્ય કંઈ નામ અને આકારોથી સ્વતંત્ર હોતું નથી. માટે નામ અને આકારવાળા જગતને આભાસ કે મિથ્યા સમજી, બ્રહ્મને જ તું સત્ય, નિત્ય, દેશ-કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન તત્ત્વ તરીકે જાણી લે. તે બ્રહ્મ તારાથી અન્ય કે જુદું નથી પરંતુ તુજથી અભેદ હોઈ તારે નિશ્ચયપૂર્વક એવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે, “તે બ્રહ્મ નિઃસંદેહ હું જ છું', જો તું હું બ્રહ્મ છું', એવું અપરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી શકીશ તો તું કૃતકૃત્ય કે કૃતાર્થ થઈ જઈશ.
આત્મજ્ઞાન દ્વારા જ કોઈ કૃતકૃત્ય કે કૃતાર્થ થઈ શકે. જ્ઞાન વિના કૃતકૃત્ય થવાનો કોઈ રસ્તો નથી, કારણ કે આત્મજ્ઞાનમાં જ સર્વ કર્મો સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે. “सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ।"
(ભ.ગી.-૪-૩૩)