________________
૪૨૧
લક્ષ્યાર્થ તો એક જ થાય છે. આમ, લક્ષ્યાર્થે તો ઈશ્વર અને જીવ બન્ને એક જ છે. જેવી રીતે સૂર્ય અને આગિયામાં ઉપાધિથી ભેદ જણાય છે પરંતુ બન્નેમાં પ્રકાશના દષ્ટિકોણથી તો એકત્વ જ છે. રાજા અને સેવકમાં, એક રાજ્યના સત્તાધીશ છે, જ્યારે અન્ય પોતાના કુટુંબનો સર્વેસર્વા છે. એકનું કાર્યક્ષેત્ર વિશાળ છે, જ્યારે અન્યનું અલ્પ છે. એક પાલક છે, જ્યારે સેવક પાલ્ય છે. રાજા આજ્ઞા કરનાર છે જ્યારે સેવક આજ્ઞા સ્વીકારનાર છે. રાજા નિયંતા છે જ્યારે સેવક નિયમ્ય છે. આમ વિચારતાં બન્નેની ઉપાધિમાં જ ભેદ કે વિરૂદ્ધ ધર્મ છે. પરંતુ રાજા અને સેવક બન્નેમાં મનુષ્યત્વ તો સમાન છે, એક છે. આમ, રાજા અને સેવકની ઉપાધિ દૂર થતાં બન્નેનો લક્ષ્યાર્થ તો મનુષ્ય જેવો એક જ છે. તે જ પ્રમાણે ઈશ્વર, માયા દ્વારા સૃષ્ટિ રચે છે, સંસારનું નિયમન કરે છે. જ્યારે જીવાત્મા અવિદ્યા દ્વારા જીવસૃષ્ટિ (અર્થાત્ પત્ની, પુત્રો, પતિ, માતા-પિતા, કુટુંબ-કબીલો, સગા-વહાલાં) રચે છે, સ્વપ્નકાળે સ્વપ્નસૃષ્ટિ રચે છે અને પોતાની જીવસૃષ્ટિનો કે સ્વપ્નસૃષ્ટિનો નિયંતા કહેવાય છે. આમ, ઈશ્વરની ઉપાધિ માયા કહેવાય છે, જ્યારે જીવની ઉપાધિ અવિદ્યા કહેવાય છે. તેમ છતાં જો જીવ અને ઈશ્વરની ઉપાધિ દૂર કરવામાં આવે તો અવિદ્યા અને માયાનો બાધ થતાં ન બચે ઈશ્વર કે ન રહે જીવ. પરંતુ તે બન્નેમાં જે ચૈતન્ય આત્મા કે બ્રહ્મ છે, તે તો એકનો એક છે, સમાન છે. તે બે વચ્ચેનું ઐક્ય તો જીવ અને ઈશ્વર જેવા વાચ્યાર્થનો ત્યાગ કરતાં અને લક્ષ્યાર્થનો સ્વીકાર કરતાં જ સમજાય છે. તદુપરાંત ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વદેશીય છે, સર્વશક્તિમાન છે, કારણ છે; જ્યારે જીવ તો અલ્પજ્ઞ છે, એકદેશીય, અલ્પશક્તિમાન અને કાર્ય છે. આમ, વાચ્યાર્થે બન્નેમાં વિરૂદ્ધ ધર્મો છે. પરંતુ તેવા વિરૂદ્ધ ધર્મોનો લક્ષ્યાર્થમાં ત્યાગ કરવાથી ઈશ્વર અને જીવનો આત્મા તો એકનો એક જ છે, તેવું સ્પષ્ટ સમજાય છે. ઈશ્વર સંસારનું નિયમન કરવા જે શક્તિનો ઉપયોગ કરે છે તે પણ આત્મશક્તિ છે અને જીવાત્મા કુટુંબનું નિયમન કરવા જે શક્તિનો સહારો લે છે તે પણ આત્મશક્તિ છે. આમ વિરૂદ્ધ ધર્મો અને ભિન્ન ઉપાધિનો ત્યાગ કરતાં ઈશ્વર અને જીવ એક જ છે તેવું સમજાય છે.