________________
૨૯૯
આચાર્યશ્રી પંચકોશનું વિવેચન પ્રારંભ કરવાના છે. પરંતુ તે પૂર્વે પંચકોશની પ્રસ્તાવના રૂપે અત્રે શ્લોકચતુષ્ટય દ્વારા તેનો ઉલ્લેખ કરી મુમુક્ષુ કે સાધકને પંચકોશ સમજવા માટે તૈયાર કરતા જણાવે છે કે, જેવી રીતે પાણીમાંથી જ ઉત્પન્ન થયેલી લીલ કે શેવાળ પાણી ઉપર તરતી થાય છે અને સ્વયં પાણીને જ ઢાંકી દે છે. જેવી રીતે સૂર્યથી ઉત્પન્ન થયેલું વાદળું સૂર્યને ઢાંકે છે અને ફાનસમાં રહેલા દીપકથી ઉત્પન્ન થયેલી મેશ, કાચ ઉપર લાગી દીપકને આચ્છાદિત કરી દે છે, તેવી જ રીતે આત્માના આશ્રયે અને આત્માની માયાશક્તિથી જ ઉત્પન્ન થયેલા અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય જેવા કોશો પોતે પોતાને અભિવ્યક્ત કરી સ્વયં આત્માને જ ઢાંકી દે છે. જેમ શેવાળ કે લીલ પોતે પોતાનું દર્શન કરાવી જળને ઢાંકી દે છે, છતાં તરસ્યો માણસ જે ક્ષણે હાથથી શેવાળને દૂર કરે છે તે જ ક્ષણે તેને તૃષાતૃપ્ત કરનારું અને તૃષાનું દર્દ દૂર કરનારું સુખપ્રદ પાણી પ્રાપ્ત થાય છે. તેમ છતાં સમજવાનું કે પાણી પેદા થતું નથી, પાણી તો હતું જ, પરંતુ લીલ કે શેવાળના આવરણથી દેખાતું ન હતું. તેવી રીતે વિવેક-વિજ્ઞાનરૂપી પ્રયત્ન દ્વારા જયારે મુમુક્ષુ ઉપરોક્ત પાંચેય કોશોની ભ્રાંતિને દૂર કરે છે, શેવાળની જેમ પાંચકોશોનું આવરણ દૂર કરે છે અને વિવેકવિજ્ઞાનથી સમજે છે કે હું પાંચેય કોશોથી ન્યારો, અસંગ અને આવરણમુક્ત છું. એટલું જ નહિ, વાસ્તવમાં હું તો શુદ્ધ, નિત્ય અને આનંદસ્વરૂપવાળો, અખંડરસમય, એક, અંતર્યામી અને પ્રકાશસ્વરૂપ છું, ત્યારે તે પોતાને જ પરમાત્મારૂપે જાણે છે. આમ, લીલ જેવું પંચકોશનું આવરણ દૂર થતાં જ, અનાવૃત્ત થયેલા પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનો મુમુક્ષુને સાક્ષાત્કાર થાય છે. પૂર્વે જણાવ્યું છે તેમ સમજવું કે જેમ લીલ દૂર કરવાથી પાણીનો જન્મ થતો નથી કે તે પેદા થતું નથી, તેવી જ રીતે પંચકોશરૂપી આવરણ દૂર થતાં આત્મા કે મુક્તિ કંઈ પેદા થતી નથી. આત્મા તો નિત્ય, મુક્ત સ્વભાવે હતો જ પરંતુ આવરણના લીધે દેખાતો ન હતો. તેથી સ્પષ્ટ જ છે કે તે પ્રાપ્ત જ હતો પણ જણાતો