________________
૧૪
મનસહિત વાણી (સર્વ ઇન્દ્રિયો) જે પરમતત્ત્વને પ્રાપ્ત કર્યા વિના પાછી ફરે છે.” જે મન, વાણી કે બુદ્ધિથી પામી શકાય તેવું નથી, ગોચર થાય તેવું નથી, ઇન્દ્રિયગમ્ય નથી અને છતાં સૂક્ષ્મબુદ્ધિ દ્વારા સમજી શકાય તેવું છે, તે ગોવિંદ તત્ત્વને નમસ્કાર કરું છું.
પરમતત્ત્વને સમજાવવા તેના બે સ્વરૂપ બતાવવામાં આવ્યા છે. પરમાત્માનું એક સ્વરૂપ જે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય છે, ગોચર થાય છે તેને આપણે સાકાર અને સગુણ કહ્યું.એ જ પરમાત્માનું બીજું સ્વરૂપ જે ઇન્દ્રિયોની પકડમાં આવે તેવું નથી, અગોચર છે તેને આપણે નિર્ગુણ અને નિરાકાર કહ્યું. ગોચર અને અગોચર, સગુણ અને નિર્ગુણ, સાકાર અને નિરાકાર બન્ને અંતે પરમાત્માનાં જ સ્વરૂપ છે, આ વાત સમજાવવા માટે જ શંકરાચાર્યજીએ એક જ પરમાત્મા માટે ગોચર અને અગોચર, એમ બે વિરુદ્ધ શબ્દો કહ્યા છે. સગુણ અને નિર્ગુણ એવા બે પરમાત્મા નથી, પરંતુ જો આ વાત નહીં સમજાય તો, “તું સગુણવાળો અને હું નિર્ગુણવાળો', ‘તું સાકારવાળો અને હું નિરાકારવાળો’, ‘તું ભક્ત છે અને હું યોગી છું', આવા ઝઘડા, આવા વિતંડાવાદ અને આવા સંપ્રદાયના કુંડાળાઓમાંથી આપણે ક્યારેય બહાર નીકળી શકીશું નહીં. સગુણ અને નિર્ગુણ એક જ સીડીના બે પગથિયાં છે, માટે જ અત્રે એક કાંકરે બે પક્ષીને મારવાનો પ્રયાસ છે. સગુણ એ પ્રથમ પગથિયું છે અને નિર્ગુણ એ અંતિમ પગથિયું છે. અંતિમ પુરુષાર્થ સુધી પહોંચવા માટે પગથિયાનો સહારો લઈને આગળ વધીશું તો સરળતાથી પહોંચી શકીશું. જો પગથિયાનું આલંબન કે સહારો નહીં લઈએ તો નહીં પહોંચાય તેવું નથી, પણ તે કઠણ છે, કપરું છે, અઘરું છે. ગહનતા અને સરળતાના દષ્ટિકોણથી વિચાર કરીએ તો જેમ સીડીની સહાયથી ચઢવું સરળ છે તેમ સગુણનો આશ્રય લઈ આગળ વધવું સરળ છે. આ કારણથી જ શંકરાચાર્યજીએ સામાન્ય લોકો માટે, સ્તુતિ અને ભક્તિપ્રધાન સ્તોત્રો લખ્યાં અને આગળ વધેલા માટે ગહન એવા અદ્વૈતના ગ્રંથો પણ લખ્યા છે.
મંગલાચરણમાં ગુરુગોવિંદપાદ અને પરમાત્માને પ્રણામ કરીને હવે મુક્તિ કે દુર્લભ એવા મોક્ષનો નિર્દેશ કરે છે.