________________
૧૮૬
પછી જ રાજયસત્તા પોતાના હાથમાં લઈ જાહેર કરવું જોઈએ કે,‘હું રાજા છું.’’ જો કોઈ મનુષ્ય પાસે સત્તા આંચકી લેવાનું સામર્થ્ય ન હોય, શાસનની કુનેહ અને મુત્સદ્દીગીરીનો અભાવ હોય, પ્રજાને પોતાના પક્ષે દોરવણી આપવાની કુશળતા ન હોય અને માત્ર કપોળકલ્પનામાં રાજયની ગલીઓમાં રખડતો સંન્નિપાત કરતો હોય કે,‘હું રાજા છું,' ‘રાજા હું જ છું'; તો તેવા પ્રલપનથી કંઈ તે રાજા થઈ શકતો નથી. તે જ પ્રમાણે જો કોઈ પિંડ અને બ્રહ્માંડના સામ્રાજ્યની સત્તા ભોગવવા માગતો હોય અર્થાત્ પોતાને અખિલ બ્રહ્માંડમાં એક અધિષ્ઠાન તરીકે સ્થાપવાની મહેચ્છા રાખતો હોય, કે ‘હું જ પરબ્રહ્મ છું, બ્રહ્માંડ મારા પર આરોપિત છે. હું. સર્વનો આધાર અને અધિષ્ઠાન છું’ તો તેવી અતૂટ નિષ્ઠાની સ્થાપના માટે મુમુક્ષુએ ઉપરોક્ત જણાવેલા, રાજા બનવાની મહેચ્છાવાળા મનુષ્યની જેમ, પ્રથમ પોતાના આંતરશત્રુઓ જેવાં કે કામ, ક્રોધ, મોહ, અવિદ્યા, આસક્તિ, અવિવેક, રાગ જેવા શત્રુઓને હણીને પોતે પરંતપ થવું જોઈએ. ત્યારબાદ સાધનચતુષ્ટય રૂપી સંપત્તિ કે લક્ષ્મીને એકત્ર કરી તેવી સંપત્તિ મળ્યા બાદ અંતઃકરણ-શુદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ અને તેના બળે ‘હું જીવ છું', તેવું અજ્ઞાન દૂર કરી, ‘હું બ્રહ્મ છું’, તેવું જ્ઞાનરૂપી સિંહાસન પ્રાપ્ત કરવું જોઈએ. એવા જ્ઞાનાસન પર સન્નિષ્ઠ થઈને મુક્તિ કે મોક્ષ જેવા ફળના અધિકારી થઈ શકાય છે. તેવા અધિકાર વિના તે જાહેર કરી શકે નહીં કે ‘હું બ્રહ્મ છું’, ‘બ્રહ્માંડરૂપી સામ્રાજયનો આધાર કે અધિષ્ઠાન હું છું.' ત્રણેય કાળે રહેનારો હું પરબ્રહ્મરૂપી સત તત્ત્વ છું. જડ અને ચેતનમાં સર્વત્ર મારી જ સત્તા રહેલી છે. આમ, જેવી રીતે શત્રુસંહાર, રાજયલક્ષ્મીનું ઉપાર્જન કે સત્તાનું હસ્તાંતરણ તથા પ્રજાનો વિશ્વાસ મેળવ્યા વિના કોઈ પરાક્રમી યોદ્ધો જાહેર કરી શકે નહીં કે, ‘હું રાજા છું.' તે જ પ્રમાણે રાગ-દ્વેષાદિના કીચડમાં રહેલો, કામક્રોધાદિ જેવા આંતરશત્રુનો શિકાર બનેલો, સાધનચતુષ્ટયસંપત્તિ વિહોણો, જીવભાવમાં જીવનારા અજ્ઞાનીને ‘હું બ્રહ્મ છું ’, તેવું કહેવાનો કોઈ અધિકાર પ્રાપ્ત થતો નથી. તેની અત્રે સ્પષ્ટતા કરવામાં આવી છે.