________________
૧૬૩
બંધનમાંથી છૂટવાનો માર્ગ ગુરુ કે કોઈ પણ માર્ગદર્શક ચીંધી શકે, પરંતુ કોઈ પણ વ્યક્તિ મોક્ષ આપી શકે નહીં.
પિતાએ જો દેવું કર્યું હોય, કોઈની ઉધાર વસ્તુઓ લીધી હોય તો તેવું પિતૃઋણ પુત્ર ભરપાઈ કરી શકે. પિતાની ઉધાર લીધેલી ચીજો પુત્ર કે અન્ય સંતાનાદિ કુટુંબીજનો પરત કરી શકે, પરંતુ જો પિતા બંધનનો અનુભવ કરતાં હોય, અવિદ્યાગ્રસ્ત હોય, તો તેવા અજ્ઞાનરૂપી બંધનમાંથી મુક્તિનો ઉપાય તો તેમણે સ્વયં કરવો પડે છે. દેવાદારનું દેવું તો મિત્રો પણ મદદ કરી ચૂકવી શકે છે. પરંતુ સ્વયંના અજ્ઞાનમાંથી છૂટકારો મેળવી જ્ઞાનપ્રાપ્તિ તો પોતે જાતે જ કરવી પડે છે. અજ્ઞાનનાબૂદીના ભગીરથ કાર્યમાં કોઈ ભાગીદાર થઈ શકે નહીં.
- આ ઉપરથી આપણે સૌએ સમજી લેવાની જરૂર છે કે ધનના કે ભોગના ભાગીદાર ગમે તે થઈ શકે, પરંતુ પુણ્યના કે પાપના ભાગીદાર કોઈ થઈ શકે નહીં. ઘરની એક વ્યક્તિ ધન ભેગું કરીને લાવતી હોય તો તે ધનનો ઉપયોગ ઘરની પ્રત્યેક વ્યક્તિ કરી શકે છે પરંતુ ઘરની એક વ્યક્તિ જો સત્સંગ, સેવા-પૂજા, તપશ્ચર્યા કરતી હોય તો તેના સત્કાર્યનું ભાગીદાર કોઈ અન્ય વ્યક્તિ બની શકે નહીં. તે જ પ્રમાણે ઘરની એક વ્યક્તિ જો પાપકર્મ કરી દુષ્કૃત્યો દ્વારા ધન એકઠું કરતી હોય તો તેના ધનની ભાગીદાર કોઈ પણ વ્યક્તિ તેના પાપકર્મની ભાગીદાર બનતી નથી. આવું પૌરાણિક દૃષ્ટાંત વાલિયા લૂંટારાનું આપણા શાસ્ત્રમાં જોવા મળે છે. તેની લૂંટના ભાગીદાર સૌ કુટુંબીજનોને તેના એ પાપકર્મ સાથે કોઈ પણ નિસ્બત નથી તેવું સમજાતાં જ તેના જીવનમાં પરિવર્તન આવ્યું અને નારદમુનિના ઉપદેશ પ્રમાણે તેમણે તે પાપમાંથી મુક્તિ માટે રામનામનું શરણ લીધું અને તેઓ વાલિયા લૂંટારામાંથી ઋષિ વાલ્મિકી બન્યા.
પાપ કે પુણ્યકર્મના આપણા ભાગીદાર કોઈ અન્ય વ્યક્તિ બની શકી હોત તો રાજા કંસનો ભગવાન શ્રીકૃષ્ણ સંહાર કર્યો ન હોત અને પુણ્યકર્મ પ્રદાન કરી પાપનો ક્ષય કરી પોતાના મામા કંસનો સંહાર થતો