________________
૧૫૬
પ્રશ્ન હોઈ શકે નહીં. તો પછી ‘બંધન’ છે શું? તે કોને હોય છે? આ જ શિષ્યની મૂંઝવણ છે. સાચા જિજ્ઞાસુનો પ્રશ્ન છે.
બંધન ક્યાંથી આવ્યુ? સતત બંધનનો ભાવ અનુભવતો શિષ્ય હવે આગળ પૂછે છે કે આ બંધનનું ઉદ્ગમસ્થાન કયું છે? બંધન ક્યાંથી આવ્યું છે? આ બંધન ક્યાં ટકી રહ્યું છે? જન્મજાત અનુભવાઈ રહેલું આ સઘન બંધન કેવી રીતે ટકી રહ્યું છે?
બંધનમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહેલો શિષ્ય, કાદવમાંથી નીકળવા મથતી વ્યક્તિની જેમ વધુને વધુ મુશ્કેલીમાં મુકાતો જાય છે. સંસા૨રૂપી કાદવમાં ખદબદતો મનુષ્ય રાગ-દ્વેષના કીચડમાંથી નીકળવા મથતાં તેમાં વધુને વધુ ફસાતો હોય તેમ અનુભવે છે. વાસ્તવમાં થાય છે પણ કંઈક એવું જ. બંધનમાંથી છૂટવાના પ્રયત્નને બદલે દિવસે-દિવસે આપણે રેશમના કીડાના કોશેટાની જેમ એક તાર ઉપર બીજો, તેની ઉપર ત્રીજો, આમ ઉપરા ઉપરી સંબંધોના, સગપણના તાર દ્વારા પોતાને બાંધીએ છીએ. જન્મ સમયે આપણ ને કંઈ જ ખબર નહોતી. વાસનાગત કર્મના ફળરૂપે શરીર પ્રાપ્ત કર્યું. વૃદ્ધિ પામતાં બાલ્યાવસ્થાને પ્રાપ્ત થયા. આગળ જતાં તરુણાવસ્થામાં પ્રવેશ કર્યો. જગતને ઓળખવા, સમજવામાં સમય પસાર કર્યો. પરંતુ યુવાનીમાં પ્રવેશતાં જ જગતના પદાર્થોની પ્રાપ્તિની ઇચ્છા સેવી અનેક પ્રકા૨ના મનસૂબા કર્યા. પદાર્થોના ભોગની ઇચ્છા કરી તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થયા. પદાર્થો પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં કર્તા બન્યા અને તેને ભોગવવાની ક્રિયાથી ભોક્તા બન્યા. ભોગમાં સુખનો ભાસ જન્માવ્યો. છેવટે તેમાંથી ઉપરામ થવા યોગ આદર્યો. આવી અનેક પ્રક્રિયાઓમાં સ્વયંને પ્રયોજી કર્તા-ભોક્તા, ભોગી-યોગી તથા રોગી બની, સુખ અને દુઃખના અનુભવોની પરંપરા સર્જી, જન્મથી મૃત્યુ પર્યંત અનેક કર્મો કર્યાં. પરંતુ તે ન સમજાયું કે પ્રત્યેક ક્રિયાનો કર્તા બની મેં પોતે જ રેશમના કીડાની જેમ કર્તા-ભોક્તા- ભાવનો તાર વીંટવાનો જ પુરુષાર્થ કર્યો. જેમ જેમ કર્મો થતાં ગયાં તેમ તેમ મારી આસપાસ બંધનના તાંતણા રચાતા ગયા અને હું જ મારી કેદનો રચયિતા બન્યો. આમ, બંધન વિશેનો