________________
૧૪૪
વિચારવું રહ્યું કે દુઃખ છે ક્યાં?
દુઃખમુક્તિના ઉપાય વિશે વિચારતાં પૂર્વ દુઃખ ક્યાં રહેલું છે? ક્યાંથી ઉત્પન્ન થાય છે? ક્યાં ટકી રહે છે? ક્યારે જાય છે? કેવી રીતે જાય છે? દૂર થાય છે ખરું? દુઃખાનુભૂતિથી મુક્તિ ક્યારે અનુભવાય છે? આવા પ્રશ્નો ઉપર વિચારણા કરવી આવશ્યક છે. સર્વ પ્રથમ આપણે વિચારીએ કે દુઃખ છે ક્યાં? આપણી અંદર કે બહાર? સાથે-સાથે સ્વયંને એવો પણ પ્રશ્ન કરીએ કે સુખ ક્યાં છે? જો સુખ આપણને આપણી અંદર અનુભવાતું હોય તો, તે વાત સિદ્ધ થઈ ગઈ કે દુઃખ પણ આપણને અંદર જ અનુભવાય છે. દુઃખનો અનુભવ જો આપણી અંદર થતો હોય, તો દુઃખને દૂર કરવાના પ્રયત્નો પણ આપણી ભીતર જ થવા જોઈએ. દુઃખ આપણી બહાર નથી તેથી દુઃખમુક્તિ માટે આપણી બહાર જગતમાં કરેલા કોઈ પણ પ્રયત્નો નિરર્થક અને નકામા નીવડે છે. આ જ વાત અજ્ઞાનના વિષયમાં પણ સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે કોઈ પણ વસ્તુનું અજ્ઞાન આપણી અંદર જ રહેલું છે. અને તેથી જ જ્ઞાન પણ આંતરિક છે.
દુઃખ આંતરિક છે, એવું સ્પષ્ટપણે સમજ્યા બાદ હવે વિચારીએ કે દુઃખનું મૂળ શું છે? શેના કારણે દુઃખનો ઉદ્ભવ થાય છે? દુઃખનો પ્રકાર કયો છે? આપણે દુઃખી શા માટે છીએ? આપણા પૂર્વેના પાપને કારણે? ના, તે વાત સત્ય નથી. આપણી સંસ્કૃતિ, શાસ્ત્રો, સંતોની અનુભૂતિ, ઋષિમુનિઓનો ઉદ્દગાર તથા જ્ઞાનીજનોની પ્રબુદ્ધ વાણી તો આપણને જણાવે છે કે, આપણે દુઃખી અજ્ઞાનને લીધે છીએ. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તો ભગવાન સ્વર્ગમાં છે કે ઉપર રહેલો છે એવું જણાવાયું છે, પરંતુ આપણી અમર, અજર, અલૌકિક, અદ્વિતીય સંસ્કૃતિમાં તો ભગવાન સર્વવ્યાપ્ત છે, તેવું સમજાવ્યું છે. પરંપરા લુપ્ત થઈ ચૂકી હોવાથી આપણી વૈદિક સંસ્કૃતિથી વંચિત રહેલો આધુનિક સમાજ વિવેકવિચારપૂર્વકના નિર્ણયના અભાવમાં અનેકવિધ લોકોના સંપર્કમાં આવી, તેઓનું કહ્યું સાચું માની, દુઃખમુક્તિના વિષયમાં અનેક પ્રકારની ભ્રાંતિ ધરાવે છે. તેથી જ અત્રે આપણી સંસ્કૃતિના અમર સંદેશની સ્પષ્ટતા