________________
૧૨૮
સંસાર એક વન છે. આ સંસારરૂપી વનમાં દુઃખનો દાવાનળ પ્રગટયો છે. હવે આ દાવાનળ એવો તો ફેલાયો છે કે જે અટકાવી શકાય તેમ નથી. તેવા દુર્વાર, દુર્જય દાવાનળમાં સંતપ્ત થયેલો, પરિતાપ પામેલો હે ગુરો! હું આપની શરણમાં આવ્યો છું. પ્રારબ્ધરૂપી પવન વડે આમતેમ ફેલાતો આ દુષ્ટ દાવાનળ મને ભરખી જવા તૈયાર થયો છે. તેથી તેનાથી ડરેલો, ધ્રુજતો, કાંપતો હું આપનું શરણ ઇચ્છું છું. આ સંસારરૂપી દાવાનળના દુઃખોથી ત્રસ્ત મોહરૂપી વાવાઝોડું અને પ્રારબ્ધ રૂપી પવનથી ફંગોળાઈ દર્દગ્રસ્ત થયેલા મને આપ મોહરૂપી કાળથી તથા જન્મ-મૃત્યરૂપી ચક્રથી બચાવો.
'भीतं प्रपन्नं दुरदृष्टवातैः दोधूयमानम् दुरिसंसारदवाग्नितप्तं मां शरणागतं मृत्योः परिपाहि ।'
આપના શરણે આવેલાં એવા મને આપ સંપૂર્ણપણે દુઃખમાંથી મુક્ત કરો. આપ સિવાય મારો ઉદ્ધાર કરે તેવું અન્ય કોઈ મને જણાતું નથી. આવા ઘોર સંસારમાંથી મને બચાવે તેવો અન્ય કોઈ આપ સિવાય સમર્થ હોય તેવું હું માનતો નથી. આપ જ મારા તારણહાર છો. આપ જ મારા રક્ષક છો. શરણપ્રાણપ્રદ એવા આપ જ મને આ મોહરૂપી મૃત્યુમાંથી ઉગારી શકો.તેમ છો.” આમ, ગુરુની શરણમાં નમ્રતાપૂર્વક ઉપસ્થિત થઈ ગુરુ પ્રત્યે એવી અનન્ય શ્રદ્ધા જન્માવવી જોઈએ કે જેથી ગુરુ કે સંત સહજતાથી જ આપણા અજ્ઞાનને દૂર કરવા તત્પર થાય. જ્યાં સુધી ગુરુમાં આવી અવિચળ શ્રદ્ધા જન્મે નહીં ત્યાં સુધી ગુરુના ઉપદેશામૃતની અસર આપણા જીવનમાં થાય નહીં.
પોતાની દુર્દશાનું વર્ણન કરી સ્વયંના આગમનનો ઉદ્દેશ ગુરુ સમક્ષ અભિવ્યક્ત કરી પોતાના અધિકારને ગુરુ પ્રત્યે પ્રગટ કરી શિષ્ય હવે પછીના શ્લોકમાં ગુરુની સ્તુતિ કે પ્રશંસા કરે છે.
(છંદ-ઉપજાતિ) शान्ता महान्तो निवसन्ति सन्तो वसन्तवल्लोकहितं चरन्तः । तीर्णाः स्वयं भीमभवार्णवं जनानहेतुनाऽन्यानपि तारयन्ति ॥३६॥